Loading Please Wait !!!
ફેસ્ટિવલ ટૂર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસે લાગ્યા તાળા; સંચાલક રફુચક્કર !

  • ટૂરના નામે લાખો-કરોડોની છેતરપિંડી કરી રાતોરાત ગાયબ
  • નાનામવા સર્કલ પાસે આવેલ ઓફિસના સંચાલક અભિનય પટેલનો ફોન બંધ
  • ઓફિસમાંથી સ્ટાફને છૂટો કરી દેવાયો; રાતોરાત સામાન ભરી લીધો
  • પ્રવાસીઓ તેમજ અનેકને નાણાં લઈને ચેક પધરાવી દીધા
  • હવે લેણદારોના ઓફિસે ધક્કા કર્મચારીઓની કઠણાઈ, પેઢી ઉઠી ગઈ કે અન્ય કાંઈ? ભારે ચર્ચા

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના નાનામવા સર્કલ પાસે આવેલા એક ટાવરમાં વિદેશનો પ્રવાસ કરાવતી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની પેઢીને રાતોરાત તાળાં લાગી જતાં લેણદારો તથા લાખો રૂપિયાના એડવાન્સ પેમેન્ટ કરી દેનારા પ્રવાસીઓમાં ભારે દોડધામ થઈ પડી છે. ઓફિસ પર અત્યાર સુધી તો સ્ટાફ રહેતો હવે તો જવાબ આપનારો સ્ટાફ પણ નહીં અને ઓફિસ પણ બંધ હોવાથી આયોજકને શોધવા માટે લેણદારો તેના નજીકનાઓના સંપર્ક કરી રહ્યા છે. પેઢી સંચાલક દ્વારા અવનવી ખરીદી કે પ્રોગ્રામ ગોઠવીને રોકડના બદલે મુદતના ચેક પધરાવી દેવાતા હતા. આવા અનેક વ્યક્તિઓ પણ ચેક લઈને ચક્કરો કાપી રહ્યા હોવાની અને પેઢીના ઉઠમણા થઈ ગયા કે શું?ની ભારે ચર્ચા ચાલી છે.

આધારભૂત સૂત્રોમાંથી ચર્ચાતી વિગતોમાં અભિનય પટેલ ત્યારબાદ નાનામવા સર્કલ પાસેના એક ટાવરમાં ઓફિસ કરી હતી. ઓફિસમાં લેડીઝ, જેન્ટ્સ સહિતનો સ્ટાફ રખાયો હતો. દુબઈ, વિયેતનામ સહિતના દેશમાં આ પેઢી ફોર ટૂર પેકેજ આયોજન કરતી હતી જેમાં અલગ-અલગ અને અન્ય એજન્સીઓ કરતાં સસ્તા પેકેજ રાખતા હોવાથી ટ્રીપો પણ થતી. છેલ્લા છએક માસથી વધુ સમયથી સંચાલકના તામજામ વધી ગયા હતા.

માર્ચ પૂર્વેના દુબઈ સહિતના અન્ય દેશના ટૂર પેકેજસ માટે એડવાન્સ બુકિંગ અને પેમેન્ટ પણ લઈ લીધા હતા. આયોજક દ્વારા એમ કહીને હાથ ઉંચા કરી દેવાયા કે હવે યુદ્ધની સ્થિતિને લઈને ખતરો છે, પેકેજ માટેના હોટલ્સ, એરફેર સહિતના બુકિંગ તો કરાવી લીધા છે ત્યાં એડવાન્સ પેમેન્ટ કરી આપ્યા છે. જો ટૂર કેન્સલ કરાવો તો અત્યારે તો નાણાં ન મળે, જોઈતા હોય તો ચેક આપી શકાય. કહી એડવાન્સમાં ટૂર પેકેજના નામે ઉઘરાવેલા નાણાંના નામે જેઓ માંગ્યા તેમને ત્રણ-ચાર માસ કે આવી મુદતના ચેકો પધરાવી દેવાયા હતા. પેકેજના નામે જો ચેક આપો તો પૂરી એમાઉન્ટ અને કેશ આપો તો વ્યક્તિદીઠ ૧૦,૨૦ હજાર કે આવી રકમની રાહત કન્સેશન આપવાની સ્કીમ (જાળ) મુકી હતી. જેમાં એક સાથે પાંચ, સાત, દશ કે આવી સંખ્યામાં પેકેજ બુક કરાવનારા સમૂહ કે ફેમિલીએ નાણાં બચાવવાની લ્હાયમાં રોકડ રકમ એડવાન્સમાં આપી દીધી હતી. આવા પ્રવાસીઓ પાસે તો નાણાં ચૂકવ્યાના બેન્ક પ્રુફ કે આવા કોઈ ઓનપેપર એડવાન્સ પણ ન હોવાથી આવા લોકો વધુ ફસાયાનું જાણવા મળે છે.

ઓફિસ ચાલુ રાખીને જવાબો આપવા રાખેલા બે-ત્રણ કર્મચારીને પણ રજા આપીને હવે તો પેઢીને જ સાવ તાળાં લગાવી દીધા હોવાનું જાણવા મળે છે. સંચાલકનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતો હોવાથી જેઓ પાસે પેઢીના અન્ય કર્મચારીઓના નંબર છે તેના પર ફોન કરીને સંચાલક અને પેઢી બંધ કેમ છે તે બાબતે ખબર અંતર લેવાઈ રહ્યા છે.

વિદેશના ટૂર પેકેજ બુક કરાવનારા ઉપરાંત એર ટિકિટ્સ, હોટેલ બુકિંગ્સ માટે એડવાન્સ પેમેન્ટ આપનારા તથા અન્ય રીતે પણ નાણાં આપનારા અનેક લોકો ઓફિસે તાળા લાગતા અને ફોન સ્વિચ ઓફ થઈ જતાં ધંધે લાગ્યા છે.