ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા નિશુલ્ક છાસ વિતરણ સેવાયજ્ઞનું ભવ્ય સમાપન
» 61 દિવસ સુધી 300 થી વધુ પરિવારોને 21000 લીટર છાસ વિતરણ
» અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ સહિતના દાતાઓના આર્થિક સહયોગથી સેવાયજ્ઞ પાર પડ્યો
» ભીલવાસ, વિરમાયા પ્લોટ, ઠક્કરબાપા અને સદર બજારના જરૂરિયાતમંદોને દૈનિક ધોરણે છાસ અપાઈ
સિટી ન્યૂઝ@રાજકોટ
ધોમધખતા ઉનાળાના આકરા તાપમાં શહેરના આર્થિક રીતે નબળા પરિવારોને રાહત આપવાના ઉમદા હેતુથી ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા શરૂ કરાયેલા નિશુલ્ક છાસ વિતરણ સેવાયજ્ઞનું ૬૧ દિવસ બાદ ભાવભેર સમાપન કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા સતત ૧૫માં વર્ષે પણ આ સેવા પ્રવૃત્તિ અવિરત ચાલુ રાખીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
સંસ્થા દ્વારા સળંગ ૬૧ દિવસ સુધી શહેરના ભીલવાસ, વિરમાયા પ્લોટ, ઠક્કરબાપા અને સદર બજાર સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા ૩૦૦ થી વધુ જરૂરિયાતમંદ પરિવારોને દૈનિક ધોરણે પરિવારદીઠ ૧ થી ૧.૫ લીટર છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સમયગાળા દરમિયાન કુલ ૨૧૦૦૦ લીટરથી પણ અધિક છાસનું નિશુલ્ક વિતરણ કરી જરૂરિયાતમંદ લોકોને કાળઝાળ ગરમીમાં શીતળતા પ્રદાન કરવામાં આવી હતી. બે મહિના ચાલેલા આ સેવાયજ્ઞ દરમિયાન શહેરના અનેક સામાજિક અને રાજકીય આગેવાનોએ કેન્દ્રની મુલાકાત લઈ આયોજકોને બિરદાવ્યા હતા.
આ ભગીરથ સેવાપ્રવૃત્તિ શ્રી અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના મુખ્ય યોગદાન તેમજ અન્ય અનેક ઉદાર દાતાઓના આર્થિક સહયોગથી શક્ય બની હતી. ફ્રીડમ યુવા ગ્રુપના સંસ્થાપક ભાગ્યેશ વોરાના માર્ગદર્શન હેઠળ પ્રમુખ પ્રવીણ ચાવડા, પ્રોજેક્ટ ઇન્ચાર્જ નીતિન ઝરીયા અને સહ-ઇન્ચાર્જ રાજુ માસ્તરે વિતરણ કેન્દ્રનું સુચારુ સંચાલન કર્યું હતું. આ વ્યવસ્થામાં શ્રી અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના જયંત ધોળકિયા, નિલેશ શાહ, યોગેશ મકવાણા, ઈશ્વર, જીતેશ સંઘાણી, સંજય પારેખ, નિમેષ કેસરિયા, કિરીટ ગોહિલ, ચંદ્રેશ પરમાર, સુરેશ રાજપુરોહિત, જે. પી. દુલારા અને ધવલ પડિયા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.