Loading Please Wait !!!
દિવ્યાંગો માટેના 3 દિવસીય ફ્રી જયપુર ફૂટ કેમ્પનું સમાપન

સરગમ ક્લબ અને કશ્યપ જ્વેલર્સ દ્વારા 1 થી 3 જૂન સુધી યોજાયેલા કેમ્પમાં 100 દર્દીઓને મળ્યો લાભ

સિટી ન્યૂઝ@રાજકોટ

સાંસ્કૃતિક, સામાજિક અને તબીબી ક્ષેત્રે અગ્રેસર રહેનાર સરગમ ક્લબ દ્વારા શહેરમાં દિવ્યાંગોની સેવા માટે વધુ એક સરાહનીય આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે. સરગમ ક્લબ અને કશ્યપ જ્વેલર્સ (દુબઈ) ના ચંદ્રિકા અને ભરત રૂપારેલિયાના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં ૧ જૂન ૨૦૨૬ થી ૩ જૂન ૨૦૨૬ સુધી ત્રિ-દિવસીય જયપુર ફૂટ કેમ્પ યોજાયો હતો.

સરગમ ક્લબના પ્રમુખ ગુણવંત ડેલાવાળાના જણાવ્યા અનુસાર, આ ૩ દિવસના કેમ્પમાં ૧૦૦ જેટલા જરૂરિયાતમંદ દિવ્યાંગ દર્દીઓએ સંપૂર્ણપણે વિનામૂલ્યે લાભ લીધો હતો. આ કેમ્પમાં ૩૮ દર્દીઓને કેલિપર્સ અને ૫૦ દર્દીઓને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યા હતા, આ ઉપરાંત અગાઉ જે લોકો અહીંથી કૃત્રિમ સાધનો લઈ ગયા હોય તેવા ૧૨ દર્દીઓને રિપેરિંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. રાજસ્થાનથી આવેલા નિષ્ણાત ડોક્ટરો જગનલાલ ચૌધરી, હેમંત શર્મા અને તુફાનસિંહ તોમર દ્વારા દર્દીઓની સચોટ સારવાર અને ફિટિંગ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં આવનાર તમામ દર્દીઓ માટે વિનામૂલ્યે ચા-પાણીની વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંત ડેલાવાળા, ભરત રૂપારેલિયા તથા કમાણી ફાઉન્ડેશનના દીપક કમાણી અને રશ્મિ કમાણીના માર્ગદર્શન હેઠળ કિશોર પરમાર, જે. કે. સરાઠે તેમજ કમિટી મેમ્બર અનવર ઘેબા, કનૈયાલાલ ગજેરા, કૈલાસ વાળા, હર્ષા પીઠડિયા, સુધા દોશી, ઉર્વશી ટાંક, મધુરીકા જાડેજા, હર્ષા કઠૈયા, નિકા ઓઝા અને નિશા વડગામાએ ભારે જહેમત ઉઠાવી હતી.

આગામી કેમ્પ ૧ જુલાઈથી યોજાશે

આ કેમ્પ માટે મુખ્ય આર્થિક સહયોગ કશ્યપ જ્વેલર્સ (દુબઈ) ના ચંદ્રિકા અને ભરત રૂપારેલિયા તરફથી મળેલ છે. દાતા પરિવારે ખાતરી આપી છે કે દર વર્ષે ૧ જૂનના રોજ તેઓના સહયોગથી જયપુર ફૂટ કેમ્પ યોજાશે. સંસ્થાના જણાવ્યા મુજબ, આગામી કેમ્પ ૧ જુલાઈ ૨૦૨૬ ના રોજ ૩ દિવસ માટે યોજવામાં આવશે.