Loading Please Wait !!!
ગાંધીનગરમાં ક્લાસ વન અધિકારી ઝડપાતા ભ્રષ્ટાચારનો પરપોટો ફૂટ્યો

=> ઊર્જા વિભાગના અધિકારી પાસેથી 2.64 કરોડની રોકડ મળતા કોંગ્રેસના આકરા પ્રહાર

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજ્યમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો દાવો કરનાર ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર બની ગયો હોવાનો આક્ષેપ રાજકોટ શહેર કોંગ્રેસે લગાવ્યો છે. ગાંધીનગરમાં ઊર્જા વિભાગના ક્લાસ-વન અધિકારી ૫ લાખની લાંચ લેતા ઝડપાતા અને તેમના ઘરેથી ૨.૬૪ કરોડ રૂપિયાની બેહિસાબી મતા મળી આવતા કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવાને બદલે સીધા બરતરફ કરવાની માંગ ઉઠાવી છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી દિલીપ આસવાણી, સિનિયર અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા અને પૂર્વ ઉપપ્રમુખ નારણ વિરાણીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, રાજ્યભરમાં તોસ્તાન તોડબાજી ચાલી રહી છે. જ્યાં મુખ્યમંત્રી બિરાજમાન છે તે ગાંધીનગરમાં પણ ક્લાસ વન અધિકારીઓ કોઈ ડર વગર લાંચ લે છે. પોલીસ ચોકી, મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ કેન્દ્ર સરકારની કચેરીઓમાં પણ લાંચ (ગાંધીછાપ) આપ્યા વગર લોકોના કામ થતા નથી તે જગજાહેર છે. કોંગ્રેસ નેતાઓએ સવાલ ઉઠાવ્યો છે કે ઝડપાયેલ ભ્રષ્ટ અધિકારી અશ્વિન ચૌધરી માત્ર એક મોહરું છે, તો તેની પડદા પાછળ કોણ છે? શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સીધી દોરવણી હેઠળ ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવે છે.

ગાંધીનગર બેઠેલા રાજકીય ગોડફાધરના ઈશારે લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ રાજ્યભરમાં બેકાબુ બન્યા છે, જેઓ નિવૃત્ત થયા બાદ પણ વહીવટ ચલાવે છે. ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને છાવરવાની નીતિ બંધ કરી અન્ય રાજ્યોની જેમ તેમને કાયમી બરતરફ (ઘરભેગા) કરવા જોઈએ. આગેવાનોએ આંકડા રજૂ કરતા જણાવ્યું કે, ગત વર્ષે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ૨૧૩ ભ્રષ્ટાચારના ગુનામાં ૩૧૦ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ૧ ડઝનથી વધુ ક્લાસ-વન, ૩૫ ક્લાસ-ટૂ અને ૧૩૪ ક્લાસ-થ્રી ના કર્મચારીઓ સામેલ છે. છેલ્લા ૫ વર્ષમાં ગુજરાતમાં ૯૦૦ થી વધુ ભ્રષ્ટાચારના કેસ નોંધીને ૧૨૦૦ થી વધુ લાંચિયા અને વચેટિયાઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ ગૃહ વિભાગ (પોલીસ) અને મહેસૂલ વિભાગ મોખરે છે. અગાઉ વડોદરા અને અમદાવાદમાં ખુદ ACB ના જ અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા હોવાનું ટાંકીને કોંગ્રેસે "જ્યાં વાડ જ ચીભડા ગળે ત્યાં ફરિયાદ કયા કરવી?" તેવો વેધક સવાલ ઉઠાવ્યો છે.