Loading Please Wait !!!
ઉદ્યોગપતિ ચોર : 44 લાખના ગેસની ચોરી કરી

  • શાપરમાં ચોરીનો ખેલ : પાણી, વીજળી બાદ હવે ગેસની ચોરી ખૂલ્લી
  • ગુજરાત ગેસની જાણ બહાર પાઈપલાઈનમાં હોલ પાડી એક વર્ષથી મફત્તનો ગેસ વાપરતા હતા
  • મેસર્સ ઈટર્નલ ફૂડ પ્રોડક્ટના દિવેન વિઠ્ઠલ ઠુમર, પરેશ લાખા ઠૂંમરનું જબરૂ કારસ્તાન ખૂલ્યું

સિટી ન્યૂઝ@રાજકોટ : શાપર અને વેરાવળના ઔદ્યોગિક ઝોન વિસ્તારમાં અગાઉ સરકારી જમીન પર દબાણ, પાણી ચોરી અને મોટા પાયે વીજળી ચોરી જેવી ગંભીર ઘટનાઓમાં શ્રીમંત ઉદ્યોગપતિઓના નામ ખુલતા ખુદ સરકારી તંત્રમાં ભારે આશ્ચર્ય અને રોષ ફેલાયો છે. ત્યારે હવે આ ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધુ એક અધ્યાય ઉમેરાયો છે. શાપરની ઇટર્નલ ફુડ પ્રોડક્ટના સંચાલકો દ્વારા આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે અત્યંત દબાણવાળી મુખ્ય ગેસ પાઈપ લાઈનમાં હોલ પાડીને જીવલેણ જોખમ ઊભું કરવામાં આવ્યું હતું. કોઈપણ મોટી દુર્ઘટના કે પ્રચંડ વિસ્ફોટની દહેશતની પરવા કર્યા વિના, માત્ર નફાખોરી માટે છેલ્લા 1 વર્ષથી 44.52 લાખની જંગી ગેસ ચોરી કરી હોવાનું મોટું કારસ્તાન ખુલતા સમગ્ર ઔદ્યોગિક જગતમાં ચકચાર મચી જવા પામી છે. આસપાસના કારખાનાના શ્રમિકોના જીવ પણ આ કૃત્યથી જોખમમાં મુકાયા હતા.

રાજકોટમાં રામેશ્વર પાર્ક બ્લોક નં. 93 માં રહેતા અને ગુજરાત ગેસ લિમિટેડ કંપનીમાં છેલ્લા 14 વર્ષથી ફરજ બજાવતા એન્જિનિયર ભાવસિંહ ડોડીયાએ (ઉ.વ. 37) આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 13 એપ્રિલના રોજ ડેપ્યુટી મેનેજર મુકેશ બલદાણીયાએ શાપર વેરાવળમાં વૈદાતિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ ઇટર્નલ ફુડ પ્રોડક્ટ નામના કારખાનામાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન સંચાલકો દ્વારા મુખ્ય પાઇપ લાઇનમાંથી ગેરકાયદેસર રીતે હોલ કરી, પાઇપ લાઇનમાં બગાડ કરીને કંપનીની જાણ બહાર બીજુ નવું કનેક્શન લઈ ગેસ વાપરતા હોવાનું પકડાયું હતું.

ગુજરાત ગેસ કંપની દ્વારા રાજકોટ જિલ્લામાં ઔદ્યોગિક હેતુ માટે કુલ 566 એક્ટિવ ગ્રાહકોને કનેક્શન અપાયા છે. ઈટર્નલ ફૂડમાં ગેસ ચોરીના ચેકિંગ વખતે પરેશ ઠુંમર તથા કાજલ મેઘનાથી હાજર મળ્યા હતા. જેમણે આ ગેરકાયદેસર કનેક્શન બાબતે કબૂલાત આપી હતી. તપાસ કરતા આ કંપની દ્વારા છેલ્લા 1 વર્ષમાં અંદાજે 64343 યુનિટ ગેસ ગેરકાયદેસર રીતે વાપર્યો હોવાનું ખૂલ્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 44,52,951 થાય છે. આ બનાવ અંગે સંચાલક દિપેન ઠુમર, પરેશ ઠૂંમર અને કાજલ મેઘનાથી સામે શાપર પોલીસે પેટ્રોલિયમ અને મિનરલ્સ પાઈપલાઇન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

5 મહિના પૂર્વે ઈથર કોર્પોરેશન પણ લાખોનો ગેસ હજમ કરી ગયું
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 19 ડિસેમ્બર 2025 ના રોજ પણ શાપર વેરાવળમાં ગુજરાત ગેસની પાઇપલાઇન તોડી 45 લાખ રૂપિયાના ગેસની ચોરી કરવાનું આવું જ કૌભાંડ સામે આવ્યું હતું. આ મામલે શાપર પોલીસ મથકમાં ઈથર કોર્પોરેશનના સંચાલકો કિશન ભાલોડીયા, જય સભાયા, દિનેશચંદ્ર સભાયા, સેજલ અને ધરમશી ભાલોડિયા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ડેપ્યુટી મેનેજર મુકેશ બલદાણીયા (ઉ.વ. 38) ની ફરિયાદ મુજબ આરોપીઓએ પાઇપલાઇનને નુકસાન પહોંચાડી 45 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું, જેની તપાસ પણ ચાલી રહી છે.