Loading Please Wait !!!
ગેસ સિલિન્ડર વિવાદમાં પૌત્રએ ધક્કો મારતા દાદાનું મોત

» રામાપીર ચોકડી પાસે બાટલો અન્યને આપી દેતા બોલાચાલી અને ઝપાઝપી થઈ

» પૌત્રના ધક્કાથી ૭૨ વર્ષીય વૃદ્ધ માથાભેર પટકાતા રેંકડી વાગવાથી કરુણ મોત

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં ગેસના બાટલા મુદ્દે થયેલા કૌટુંબિક ઝઘડામાં સગા પૌત્રએ ૭૨ વર્ષના દાદાને ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી પૌત્રએ શરૂઆતમાં દાદા પડી ગયા હોવાની ઉપજાવી કાઢેલી સ્ટોરી પોલીસ સમક્ષ રજૂ કરી હતી, પરંતુ કડક પૂછપરછમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો છે. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી ફોરેન્સિક રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ૭૨ વર્ષીય અરજણ મિયાત્રા રામાપીર ચોકડી પાસે ફાયર બ્રિગેડ પાછળ એકલા રહેતા હતા. તેમનો પૌત્ર મોહિત રમેશ મિયાત્રા રતનપરમાં રહે છે. મોહિતે ઓનલાઈન ગેસનો બાટલો બુક કરાવ્યો હતો, જેની ડિલિવરી દાદાના જૂના સરનામે થઈ હતી. સવારે ૬ વાગ્યે મોહિત બાટલો લેવા આવ્યો ત્યારે અરજણે તે બાટલો અન્ય કોઈને આપી દીધો હોવાની જાણ થતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત વણસતા ઝપાઝપી થઈ અને મોહિતે ધક્કો મારતા અરજણ માથાભેર પડ્યા હતા, જ્યાં રેંકડીનો ખૂણો વાગતા તેમનું મોત નીપજ્યું હતું. સવારે મોહિતે કુટુંબીજનો અને હોસ્પિટલના સ્ટાફ સમક્ષ એવી ખોટી સ્ટોરી ઊભી કરી હતી કે દાદાએ ડેલી ખોલી અને અચાનક પડી જવાથી રેંકડી માથામાં વાગી ગઈ. જોકે, સિવિલ હોસ્પિટલ પહોંચેલી યુનિવર્સિટી પોલીસને મૃતદેહ પર ઝપાઝપી અને ઘસરકાના નિશાન દેખાતા શંકા ગઈ હતી. પોલીસે અડોશ-પડોશમાં પૂછપરછ કરતા સવારે ઝઘડાનો અવાજ આવ્યો હોવાનું ખૂલ્યું હતું.

ત્યારબાદ પોલીસે મોહિતની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે ધક્કો માર્યાની કબૂલાત કરી લીધી હતી. શરીર પર ઘસરકાના નિશાન અને મોતનું સાચું કારણ જાણવા પોલીસે મૃતદેહનું પેનલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. અરજણને કોઈ બોથડ પદાર્થ મારવામાં આવ્યો છે કે કેમ, તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. આ રિપોર્ટના આધારે પોલીસ નક્કી કરશે કે મોહિત સામે હત્યાનો ગુનો દાખલ કરવો કે સદોષ માનવવધનો. મૃતક અરજણને સંતાનમાં ૪ દીકરી અને ૧ દીકરો છે, તેમના અકાળે મૃત્યુથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.