Loading Please Wait !!!
ગીર સોમનાથ જુગાર રેડના તોડકાંડમાં બે PSI સસ્પેન્ડ

  • પોલીસ અધિકારી પાસેથી જ રૂ. 5 લાખ લેવાયાના ગંભીર આક્ષેપથી પોલીસબેડામાં ચકચાર
  • મહિલા PSIની રેન્જ IG સમક્ષ ચોંકાવનારી રજૂઆત બાદ તપાસ ; પ્રાથમિક તપાસમાં ગેરરીતિ સામે આવતાં SOGના PSI ડી.એમ. ફાગડા અને તત્કાલીન LCB PSI એચ.એલ. જેબલિયા સામે કાર્યવાહી

સિટી ન્યૂઝ@રવિ ખખ્બર-ગીર સોમનાથ

ગીર સોમનાથ પોલીસમાં ચર્ચાસ્પદ બનેલા હોટલ રોયલ મેન્શન જુગાર રેડ પ્રકરણમાં મોટો વળાંક આવ્યો છે. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારની હોટલ રોયલ મેન્શનમાં ૨૦ જુલાઈની મધરાતે LCB દ્વારા પાડવામાં આવેલી જુગારની રેડ બાદ પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો ઊઠ્યા હતા. આ મામલે જૂનાગઢ રેન્જ IG રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ કાર્યવાહી કરતાં SOGના PSI ડી.એમ. કાગડા તથા તત્કાલીન LCB અને હાલ લીવ રિઝર્વમાં ફરજ બજાવતા PSI એચ.એલ. જેબલિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતાં પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે.

રેન્જ IG રાજેન્દ્રસિંહ ચૂડાસમાના જણાવ્યા મુજબ હોટલ રોયલ મેન્શન

જુગાર રેડ સંદર્ભે હાથ ધાયેલી પ્રાથમિક તપાસમાં બેદરકારી અને ગેરરીતિ સામે આવતાં બંને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમગ્ર પ્રકરણની વધુ તપાસ ચાલુ છે અને તપાસના આધારે જરૂરી વિભાગીય તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ૨૦ જુલાઈની રાત્રે વેરાવળ હાઇવે પર કાજલી-બાદલપરા વચ્ચે આવેલી હોટલ રોયલ મેન્શનમાં LCBએ દરોડો પાડી ૭ વ્યક્તિઓને તીનપતી રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ. ૪,૭૩ લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ સમય ઘટનાક્રમમાં એક મહિલા

PSI પણ સ્થળ પર હાજર હોવાનો અને તેમને આરોપી તરીકે દર્શાવવામાં ન આવ્યા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. એટલું જ નહીં, પોલીસના જ કેટલાક અધિકારીઓએ મહિલા PSI પાસેથી આશરે રૂ. ૫ લાખ લીધા હોવાનો ગંભીર દાવો પોલીસ સૂત્રોમાંથી સાચો આવ્યો છે. જોકે આ આક્ષેપ અંગે અંતિમ સત્ય ચાલુ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ત્યારબાદ જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાએ સંબંધિત મહિલા PSIને અન્ય કારણ દર્શાવી સસ્પેન્ડ કર્યા હતા. આ પછી મહિલા PSI સીધા રેન્જ IG રાજેન્દ્રસિંહ ચૂડાસમા સમક્ષ પહોંચી સમગ્ર ઘટનાક્રમ અંગે રજૂઆત કરી હતી.

મામલાની ગંભીરતાને ધ્યાને લઈ

રેન્જ IGએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં કેટલાક મુદ્દાઓમાં ગેરરીતિ સામે આવતાં PSI એચ.એલ. જેબલિયા અને ડી.એમ. કાગડા સામે સસ્પેન્ડનની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ વિભાગ તરફથી જણાવાયું છે.

આ સમગ્ર પ્રકરણને પગલે ગીર સોમનાથ પોલીસબેડામાં ભારે ચર્ચા જાગી છે. હવે તપાસમાં કથિત રૂ. ૫ લાખના તોડના આક્ષેપ, મહિલા PSIની ભૂમિકા અને અન્ય કોઈ અધિકારીની સંડોવણી હતી કે કેમ તે સહિતના મુદ્દાઓની હકીકત બહાર આવવાની શક્યતા છે. હાલ વિભાગીય તપાસ ચાલુ હોવાથી અંતિમ જવાબદારી તપાસ પૂર્ણ થયા બાદ જ નિર્ધારિત થશે.