Loading Please Wait !!!
છત્તીસગઢમાં ઝડપાયેલું અમૃત જ્વેલર્સનું 10 કરોડનું સોનું પરત

» જરૂરી દસ્તાવેજો રજૂ કરતા કોર્ટે સોનું પરત કરવાનો આદેશ કર્યો

સિટી ન્યૂઝ@રાજકોટ

છત્તીસગઢના સિંગોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટના અમૃત જ્વેલર્સના કર્મચારીઓ પાસેથી પકડાયેલા ૧૦ કરોડના ૭.૫ કિલો સોનાના આભૂષણોના કેસમાં નવો વળાંક આવ્યો છે. આવકવેરા અને GST વિભાગની ક્લીનચીટ બાદ, કોર્ટે તમામ દસ્તાવેજો માન્ય રાખી જપ્ત કરાયેલું સોનું કાયદેસર રીતે પરત સોંપવાનો આદેશ કર્યો છે. અમૃત જ્વેલર્સના સંચાલકોના જણાવ્યા મુજબ, ૧૭ મે ૨૦૨૬ ના રોજ તેમના કર્મચારીઓ ૭.૫ કિલો સોનાના આભૂષણો લઈને ‘જંગડ’ પદ્ધતિથી મુસાફરી કરી રહ્યા હતા. જ્વેલરી બિઝનેસમાં રિટેલર ખરીદી નક્કી કરે ત્યારે જ GST ઇન્વોઇસ બને છે, અને તેમાં ઈ-વે બિલ જરૂરી નથી. માન્ય ડિલિવરી ચલણ હોવા છતાં, ઓડિશા-છત્તીસગઢ સરહદે પોલીસે GST જોગવાઈઓની પૂરતી જાણકારી ન હોવાથી ઇન્વોઇસ માંગી માલને “શંકાસ્પદ મિલકત” ગણી જપ્ત કર્યો હતો. કેન્સરની ગંભીર બીમારી વચ્ચે પણ માલિક જિતેન્દ્ર આકેસરા ૧૯ થી ૩૦ મે સુધી રાયપુર હાજર રહ્યા હતા. તેમણે ઇન્ચાર્જ નેમિષ આકેસરા અને CA જતિન જાજલ સાથે આવકવેરા અને GST વિભાગ સમક્ષ ડિલિવરી ચલણ, ખરીદ બિલ, સ્ટોક રજીસ્ટર અને HUID નંબર સહિતના તમામ કાયદેસર દસ્તાવેજોની ધારદાર રજૂઆત કરી હતી. દસ્તાવેજોની ગંભીર ચકાસણી બાદ આવકવેરા વિભાગે સ્પષ્ટ કર્યું કે કોઈ કરચોરી થઈ નથી અને સ્ટોક હિસાબી પુસ્તકોમાં નોંધાયેલો છે, જેથી NOC જારી કરાયું. CGST અને SGST અધિકારીઓએ પણ માલ જપ્ત રાખવાની માંગ કરી નહોતી. અંતિમ સુનાવણીમાં પોલીસે પણ વાંધો ન ઉઠાવતા, ૨૯ મે ૨૦૨૬ ના રોજ કોર્ટે તમામ આભૂષણો અમૃત જ્વેલર્સને પરત આપવાનો આદેશ કર્યો હતો. અમૃત જ્વેલર્સને સત્ય બહાર લાવવા બદલ તંત્ર અને CA જતિન જાજલનો આભાર માન્યો છે.