ગોંડલ નજીક બસે પલ્ટી મારતા સાસુ-વહુનાં મોત
=> બાળકો સહિત 62 મુસાફર સવાર હતા, 25 ઈજાગ્રસ્ત
=> બગદાણાથી પરત ફરતા વોરાકોટડા પાસે અકસ્માત
=> શાંતાબેન મકવાણા (મૃતક સાસુ) | મંજુબેન મકવાણા (મૃતક વહુ)
સિટી ન્યૂઝ@ગોંડલ
પવિત્ર પુરષોત્તમ માસ નિમિત્તે ધાર્મિક સ્થળોના દર્શને નીકળેલા શ્રદ્ધાળુઓ માટે આજ (૨૫ મે)ની વહેલી સવાર કાળમુખી સાબિત થઈ છે. ગોંડલના વોરા કોટડા ગામ નજીક વહેલી સવારે યાત્રાળુઓથી ભરેલી એક ખાનગી બસ પલ્ટી મારી જતાં કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે. આ ગોઝારી ઘટનામાં એક જ પરિવારના સાસુ-વહુના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે ૨૫ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. મળતી વિગતો મુજબ, ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી રવિવારે વહેલી સવારે ૪:૩૦ વાગ્યે એક ખાનગી બસ (નંબર: GJ૧૮U ૯૯૮૫) શ્રદ્ધાળુઓને લઈને બગદાણા, રાજપરા, ઊંચા કોટડા અને ભગુડા સહિતના ધાર્મિકસ્થળોના દર્શનાર્થે રવાના થઈ હતી. તમામ સ્થળોએ દર્શન પૂરા કરી પરત ફરી રહેલી આ બસ આજે વહેલી સવારે ૪:૩૦ વાગ્યાની આસપાસ ગોંડલના વોરા કોટડાથી બાંદરા જવાના રોડ પર પહોંચી હતી. આ માર્ગ સિંગલ પટ્ટી હોવાથી સામેથી એક ટ્રક આવી રહ્યો હતો. ટ્રકને સાઈડ આપવા માટે ખાનગી બસના ચાલકે વાહન રિવર્સમાં લીધું હતું, પરંતુ તે જ સમયે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં બસ રોડની નીચે આવેલા ઊંડા ખાડામાં પલ્ટી મારી ગઈ હતી. બસ પલટતાં જ વહેલી સવારે ગાઢ નિદ્રામાં રહેલા મુસાફરોની ચીસાચીસ અને કરુણ આક્રંદથી આખો રોડ ગૂંજી ઉઠ્યો હતો. અકસ્માત સમયે બસમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત કુલ ૬૨ લોકો સવાર હતા. આ ગમખ્વાર અકસ્માતમાં બસ નીચે દબાઈ જવાથી બે મહિલાના કરુણ મોત નીપજ્યાં છે. મૃતકોની ઓળખ નીચે મુજબ થઈ છે. શાંતાબેન પુનાભાઈ મકવાણા (સાસુ), મંજુબેન રસિકભાઈ મકવાણા (વહુ) અકસ્માત બાદ ઘટનાસ્થળેથી હૃદયદ્રાવક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં બસ પલ્ટી ગયા બાદ અંદર ફસાયેલા લોકો બચાવો-બચાવોની બૂમો પાડી રહ્યા હતા.