ગોલ્ડ કિંગ 15 લાખ કરોડની કમાણી ‘ફેક’ કરનાર રાજેશ મહેતા મૂળ રાજકોટમાં રહેતા
- સેબીનો આરોપ | રાજેશ એક્સપોર્ટની બેહિસાબ આવક શંકાના ઘેરામાં ટ્રેકિંગ પર રોક
-
સોના અને ઘરેણાનો વ્યવસાય કરતી ભારતની મોટી કંપની છે રાજેશ એક્સપોર્ટ લિ.
-
જૈન પરિવારમાં જન્મેલા રાજેશ મહેતા રાજકોટથી સોનુ લઈ જઈ બેંગલુરૂમાં વેંચતા હતા
- રાજેશ મહેતા 3,089 કરોડનો માર્કેટ કેપ : દર વર્ષે 250 ટન સોનાના ઘરેણા બનાવવાની ક્ષમતા છે
સિટી ન્યૂઝ@રાજકોટ
વાત ૧૯૮૬-૮૭ની છે. રાજકોટ રહેતા જસવંતરાય મહેતા સોના-ચાંદીના દાગીનાનું કામકાજ કરે. એ બધું સમેટીને બેંગલુરૂ શિફ્ટ થઈ ગયા. પિતાની સાથે ધંધો કરવા તેમના બંને દીકરા રાજેશ મહેતા ને પ્રશાંત મહેતા પણ બેંગલુરૂ ગયા. મોટો દીકરો રાજેશ રાજકોટથી સોના-ચાંદીના દાગીના લઈ આવે ને કમિશનથી બેંગલુરૂ, હૈદરાબાદ, ચેન્નાઈમાં વેચે. ધંધો જોરદાર જામ્યો. બેંગલુરૂમાં જ ૧૯૮૯માં બંને ભાઈઓએ નાના રૂમમાં ૧૦ના સ્ટાફ સાથે કંપની શરૂ કરી. નામ રાખ્યું - રાજેશ એક્સપોર્ટર્સ. કાચા સોનાને રિફાઈન કરવાનું મુખ્ય કામ. સાઈડમાં દાગીના બનાવીને પણ વેચે.
સોનું ઓગાળવાની ગરમી વચ્ચે જોઈએ એવી ચમક આવતી નહોતી. ધીમે ધીમે કંપનીનો વ્યાપ વધ્યો. NSE અને BSEમાં લિસ્ટેડ થઈ. બધું બરાબર ચાલતું હતું ત્યાં ૧૧ માર્ચ ૨૦૨૪ના દિવસે SEBI (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા.- સેબી)ને એક શેર હોલ્ડરનો ઈમેલ મળ્યો. બેંગલુરૂની રાજેશ એક્સપોર્ટર્સને માર્કેટમાંથી બે વર્ષથી રૂપિયા મળ્યા નથી છતાં આ કંપની ઉઘરાણી કરતી નથી.
દાળમાં કાંઈક કાળું છે. સેબીએ ઈમેલને ગંભીરતાથી લીધો. બધું હોમવર્ક કર્યા પછી ૨૦ ઓક્ટોબર ૨૦૨૪એ સેબીએ બેંગલુરૂની ગોલ્ડ રિફાઈન કરતી કંપની રાજેશ એક્સપોર્ટર્સ સામે તપાસનો આદેશ આપ્યો. દોઢ વર્ષ તપાસ ચાલી ને હમણાં ત્રણ દિવસ પહેલા જ સેબીએ રિપોર્ટ બહાર પાડ્યો. તેમાં રાજેશ એક્સપોર્ટર્સ પર આરોપો મૂકવામાં આવ્યા. સૌથી મોટો આરોપ એ હતો કે કંપનીએ પોતાની ૧૫ લાખ ૧૫ હજાર કરોડની જાયન્ટ આવક બતાવી છે તેમાંથી ૯૭% આવક ખોટી બતાવી છે. કંપનીની આટલી આવક છે જ નહીં !! આખરે રાજકોટથી બેંગલુરૂ શિફ્ટ થયેલા ૬૦ વર્ષના રાજેશ મહેતાએ એવો તે કયો જાદુ કર્યો કે ૧૫ લાખ કરોડની જંગી આવક ‘હવાઈ કમાણી’ નીકળી!! આ ગૂંચને આસાન રીતે સમજીએ.