Loading Please Wait !!!
યુવકને હનિટ્રેપમાં ફસાવી કાર પડાવી 5 લાખની માંગણી કરી

 

  • મિત્રએ કાવતરું ઘડી, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી: 4 સામે ફરિયાદ

  • 40 હજાર પડાવી લીધા બાદ વકીલની ઓફિસે કારનું લખાણ કરાવી લીધું

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં રહેતા ખેડૂત યુવકને હનીટ્રેપમાં ફસાવી અપહરણ કરી ગોંડલ લઈ જઈ ગોંધી રાખ્યા બાદ જાનથી મારી નાખવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી કાર પડાવી લીધી હતી. બાદ રૂા.૫ લાખની માંગણી કરનારા મિત્ર સહિત ચાર સામે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદમાં ભાવેશભાઈએ જણાવ્યું છે કે તેના મિત્ર દશરથ જેન્તીભાઈ સરવૈયાએ એક સંગીતા નામની યુવતી સાથે ફોન પર સંપર્ક કરાવ્યો હતો. તેણે તેને પ્રેમજાળમાં ફસાવીને મળવા માટે ગોંડલ બોલાવ્યા હતા. જ્યારે તે ગોંડલ વોરાકોટડા રોડ પર ગયા ત્યારે આરોપી સંગીતા તેને એક મકાનમાં લઈ ગયા બાદ અચાનક આરોપી ઈમરાન મેમુદશાહ શાહમદાર અને તેની માતાએ આવી છરી બતાવી, લાફો મારીને ધમકી આપી હતી કે પોતે નવ મર્ડર કર્યા છે અને દસમું મર્ડર તેમનું કરી નાખશે અને તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને બળજબરીથી ૪૦,૦૦૦ રોકડા પડાવી લીધા હતા.

તેને રૂમમાં ગોંધી રાખી સમાધાન પેટે ૫ લાખની માંગણી કરતા તેની પાસે પૈસા ન હોવાથી આરોપીઓએ ૫ લાખના બદલામાં તેમની ૪ લાખની કાર પડાવી લીધી હતી ત્યાર બાદ દશરથ પણ ત્યાં આવી ગયો હતો અને ચારેયએ ભેગા મળીને તેનું તેની જ કારમાં અપહરણ કરી ગોંડલના એક વકીલની ઓફિસે લઈ ગયા હતા અને ડરાવી-ધમકાવીને કારના લખાણ પર બળજબરીથી સહીઓ કરાવી લીધી હતી. આ મામલે ગોંડલ સિટી બી-ડિવિઝન પોલીસે દશરથ, સંગીતા, ઈમરાન અને ઈમરાનની માતા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.