હનુમંત કથા માટે રાજકોટ તૈયાર
=> સનાતન સંસ્કૃતિનો જયઘોષ; રેસકોર્સ મેદાન બન્યું બાગેશ્વરધામ
=> સૌરાષ્ટ્રની સનાતન સમિતિનું ભવ્ય આયોજન : 5 થી 7 જૂને રેસકોર્ષમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ધર્મસભા : પર્યાવરણ અને ઇંધણ બચાવવા 4 જૂને 10 ઝોનમાં અલગ-અલગ કળશ યાત્રા કાઢવાનો ઐતિહાસિક નિર્ણય
સિટી ન્યૂઝ@રાજકોટ સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા માટે રાજકોટના આંગણે સનાતન ધર્મનો એક મોટો અને ઐતિહાસિક ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આગામી ૫, ૬ અને ૭ જૂનના રોજ શહેરના મધ્યમાં આવેલા રેસકોર્સ મેદાન ખાતેના રમેશ પારેખ ઓડિટોરિયમમાં બાબા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પૂજ્ય ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીના મુખેથી ભવ્ય 'હનુમંત કથા'નું આયોજન કરવામાં આવ્યું છે. કથાના બીજા દિવસે બાબાનો પ્રખ્યાત 'દિવ્ય દરબાર' પણ ભરાશે, જેમાં બાબા લોકોની સમસ્યાઓ સાંભળીને તેનું સચોટ નિરાકરણ લાવશે તેવી શ્રદ્ધા સાથે હજારો ભક્તો ઉમટી પડશે. હિન્દુઓમાં સનાતન સંસ્કારનું સિંચન થાય, હનુમાન ભક્તિ વધે, યુવાનોમાં રાષ્ટ્ર ભાવના જાગૃત થાય અને આધ્યાત્મિક જાગૃતિનો સંચાર થાય તેવા ઉમદા હેતુથી આયોજકો અને સંતો-મહંતોએ લોકોને સહપરિવાર આ કથામાં જોડાવા આહ્વાન કર્યું છે.
લાખોની સંખ્યામાં આવનારા ભાવિક ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે આયોજક સમિતિના કિશોર ખંભાયતા, રાજેશ પિલ્લાઈ, વિક્રમસિંહ પરમાર, રમેશ શિંગાળા અને મંગેશ દેસાઈ સહિતના સભ્યોએ દિવસ-રાત જહેમત ઉઠાવી છે. તેમણે જણાવ્યું કે, રેસકોર્સ ગ્રાઉન્ડમાં ૨૪ અલગ-અલગ સુવિધાજનક ખંડ બનાવવામાં આવ્યા છે, જેમાં ૧ ખંડમાં ૧૮૦૦ લોકો આરામથી બેસી શકશે. વક્તાને સ્પષ્ટ જોવા માટે ૧૩૦ × ૪૫ ફૂટનું વિશાળ અને આકર્ષક સ્ટેજ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, સાઉન્ડના છેવાડે બેઠેલા ભક્તને પણ કથા સ્પષ્ટ સંભળાય અને દેખાય તે માટે ૬ મોટી LED સ્ક્રીન અને ૧ લાખ વોલ્ટની અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા સમગ્ર ગ્રાઉન્ડને અદ્યતન CCTV કેમેરાથી સજ્જ કરાયું છે અને રાત્રિના કાર્યક્રમો માટે ૨૪ લાઈટિંગ ટાવર ઊભા કરાયા છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા સમગ્ર કાર્યક્રમનો વીમો પણ લેવામાં આવ્યો છે.
આ ઐતિહાસિક કથાનું આમંત્રણ પાઠવવા કિશોર ખંભાયતા, હંસરાજ ગજેરા, વિક્રમસિંહ પરમાર, મંગેશ દેસાઈ, ડેનીશ આડેસરા, વિજય પાંભરિયા, કેતન ખંભાયતા, રમેશ શિંગાળા, જયેશ સંધાણી, અરૂણ નિર્મળ અને વિનય કારિયા સહિતના આગેવાનોએ 'સિટીન્યૂઝ' કાર્યાલયની મુલાકાત લીધી હતી.
=> બાગેશ્વર ધામના 5 મહાસંકલ્પો
કથા દરમિયાન બાગેશ્વર ધામના માનવ સેવા અને રાષ્ટ્ર ઉત્થાનના ૫ મહાસંકલ્પો લોકો સમક્ષ મુકાશે. જેમાં ૨૦૦ કરોડના ખર્ચે બની રહેલી ૧૦0 બેડની વિનામૂલ્યે કેન્સર-કિડની હોસ્પિટલ, ૩૦0 ગરીબ દીકરીઓના નિઃશુલ્ક સમૂહલગ્ન, ‘એક હિન્દુ-એક ગાય’ અંતર્ગત ગૌસેવા, વૈદિક ગુરુકુળની સ્થાપના અને હજારો શ્રદ્ધાળુઓ માટે ચાલતા નિઃશુલ્ક અન્નપૂર્ણા ભોજનાલયનો સમાવેશ થાય છે.
=> પ્રવેશ દ્વાર અને પાર્કિંગની સુવિધા
જાહેર જનતા માટે ફન વર્લ્ડ પાસેના ગેટ નંબર ૧ અને ૨, તેમજ એરપોર્ટ ગેટ નંબર ૫ અને બાલભવન ગેટ નંબર ૬ થી પ્રવેશ અપાશે. સાધુ-સંતો અને આમંત્રિતો માટે ગેટ નંબર ૩ અને પ્રોટોકોલ માટે ગેટ નંબર ૪ રિઝર્વ રખાયો છે. ટ્રાફિક ન સર્જાય તે માટે ચૌધરી હાઈસ્કૂલ, પોલીસ હેડ ક્વાર્ટર અને રિલાયન્સ ગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
=> 4 જૂને 10 ઝોનમાં નીકળશે કળશ યાત્રા
પેટ્રોલ-ડીઝલ બચાવવાના ઉમદા હેતુથી એક મોટી કળશ યાત્રા કાઢવાના બદલે ૪ જૂને શહેરના ૧૦ અલગ-અલગ ઝોનમાં સ્થાનિક સંગઠનો દ્વારા કળશ યાત્રાઓ યોજવામાં આવશે.
=> કોઈ ફાળો નહીં, ઈ.વી. વાહનોનો ઉપયોગ થશે
સમિતિ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે કથાના ખર્ચ માટે કોઈ ફાળો ઉઘરાવાશે નહીં, સંપૂર્ણ ખર્ચ યજમાનો ઉઠાવશે. ભક્તો ઇચ્છે તો બાગેશ્વર ધામના સેવા કાર્યો માટે કાર્યાલયના કાઉન્ટર પર દાન આપી પાકી પહોંચ મેળવી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપીને ભક્તોને સિંગલ વાહનને બદલે શેરિંગ કે ઇલેક્ટ્રિક (EV) વાહનોમાં આવવા અનુરોધ કરાયો છે. મનપાના સંકલનથી EV બસોના રૂટ શરૂ કરાશે અને બાબાના એરપોર્ટ આગમનથી કથા સ્થળ સુધી સ્વાગત યાત્રામાં માત્ર EV વાહનો જ જોડાશે.