રાજકોટમાં તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કૌશા હરખાણીનું આરંગેત્રમ્
» હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે 7 જૂને બપોરે 3 કલાકે દીક્ષાંત સમારોહ યોજાશે
» કલાગુરુ જીજ્ઞેશ સુરાણી અને ક્રિષ્ના સુરાણીના માર્ગદર્શન હેઠળ કૌશાનું રંગમંચ પર પદાર્પણ
» બોલિવૂડ કોરિયોગ્રાફર અવની શાહ સહિતના દિગ્ગજ મહેમાનો સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેશે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના સાંસ્કૃતિક આંગણે કલા અને ભક્તિનો એક અનોખો ત્રિવેણી સંગમ રચાવવા જઈ રહ્યો છે. શહેરની ‘તાંડવ નર્તન’ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ દ્વારા કૌશા રાજેશ હરખાણીના ભરતનાટ્યમ નૃત્ય શૈલીના દીક્ષાંત સમારોહ "આરંગેત્રમ્" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ગરિમાપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમ આગામી ૭ જૂન ૨૦૨૬, રવિવારના રોજ બપોરે ૩:૦૦ કલાકે ટાગોર રોડ પર આવેલા હેમુ ગઢવી ઓડિટોરિયમના મેઈન હોલ ખાતે યોજાશે. સંસ્થાના કલાગુરુ જીજ્ઞેશ આર. સુરાણી અને કલાગુરુ ક્રિષ્ના સુરાણી (મારડિયા) ના સઘન માર્ગદર્શન હેઠળ વર્ષોની અવિરત અને કઠોર સાધના બાદ કૌશા રંગમંચ પર પોતાનું પ્રથમ પદાર્પણ કરવા જઈ રહી છે. આ પાવન સાંસ્કૃતિક પ્રસંગે નૃત્યગુરુ સુમિત્રા રાજગુરુ, વિજય આનંદ શિવરામ, બોલિવૂડ કોરિયોગ્રાફર અવની શાહ તેમજ કાદંબરી દેવી, ધર્મરાજસિંહ વાઘેલા અને પારુલ જોબનપુત્રા સહિતના ગણમાન્ય અતિથિઓ યુવા કલાકારોનો ઉત્સાહ વધારવા વિશેષ ઉપસ્થિત રહેશે. કલા અને સંસ્કૃતિને જીવંત રાખતા આ ભવ્ય દીક્ષાંત સમારોહને નિહાળવા માટે આયોજકો દ્વારા રાજકોટના તમામ કલાપ્રેમી નાગરિકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.