હોટલ સંચાલક મામા-ભાણેજ પર હુમલો કરી દુકાનમાં તોડફોડ
» સમાધાન માટે બોલાવી ધમકી આપી 1200 રૂપિયા પડાવી લીધા : 4 સામે ગુનો
» મે અગાઉ મર્ડર કર્યું છે, જેલમાં ગયો હતો, તારૂ પણ મર્ડર કરતા વાર નહી લાગે કહી ધમકી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખાઓ બેફામ બન્યા હોય તેમ વધુ એક લુખ્ખાગીરીનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. રાજકોટના આજીડેમ ચોકડી પાસે સોમનાથ સોસાયટીમાં રહેતા અને ૮૦ ફૂટ રોડ ઉપર અમુલ સર્કલ પાસે મોમાઇ ચા એન્ડ પાનની હોટલ ચલાવતા જયેશભાઇ ઉર્ફે લાલો ઇન્દુભાઇ કવાતરએ મોહિત ઉર્ફે બંટી સુરેશભાઇ પરમાર, અજય કિરીટ ગોહેલ, હિતેન ઉર્ફે હબો કિરીટ ગોહેલ અને સુજલ સંજય બથવાર સામે થોરાળા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.૨૪ના રોજ તેના માતાજીના મંદિરે માંડવો હોય રાત્રીના ગયા તે દરમ્યાન તેની હોટલ ચલાવતો ભાણેજ કિશન રઘાભાઇ ડાભી તેની હોટલે બેઠો હતો ત્યારે ચા પીવા આવેલા માહીત ઉર્ફે બંટી સુરેશ પરમાર સહીતે પૈસાના મામલે ઝઘડો કરી હોટલમાં તોડફોડ કરી હતી.
જેથી ફોન કરી જાણ કરતા જયેશએ હોટલે આવી સમજાવતા ઉશ્કેરાયેલા મોહિત,અજય કીરીટ ગોહેલ,હિતેન કટીટ ગોહેલ અને સુજલ સંજય બથવાર સહીતે મારકુટ કરી તમારે અહી દુકાન ચલાવવી હોય તો નાણા આપવા પડશે કહી નાસી ગયા હતા. બાદમા રાત્રીના મોહીતે ફોન કરી સમાધાન માટે જયેશને ફોન કરી આંબેડકર નગરમાં બોલાવતા જયેશભાઇ અને તેનો ભાણેજ કિશન સહીત ત્યા ગયા હતા ત્યારે મોહીતે કહ્યુ કે તમારે નાણા આપવા પડશે નહીતર મે અગાઉ મર્ડર કર્યુ છે અને જેલમાં ગયો હતો. તારૂ પણ મર્ડર કરતા વાર નહી લાગે કહી ધમકી આપી મારકુટ કરી રૂ.૧૨૦૦ પડાવી લીધા હતા અને પોલીસમાં ફરીયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ કહી ધમકી આપ્યાની ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી પીએસઆઈ મોહન મહેશ્વરી સહિતની ટીમે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.