એકતાબા સોઢાની ભાજપમાં રાજવી એન્ટ્રી
ગુજરાત ભાજપે મહિલા મોરચાના ઉપપ્રમુખ બનાવ્યા
ક્ષત્રિય સમીકરણો પર ભાજપનું ફોકસ: રાજવી કાર્ડથી ભાજપનો નવો દાવ
લોકસભાની ટિકિટ મળે તેવી ચર્ચે જોર પકડ્યું
સિટી ન્યૂઝ@જામનગર
ગુજરાત ભાજપના રાજકારણમાં વધુ એક રાજવી ચહેરાની એન્ટ્રી નોંધાઈ છે. ભાજપ દ્વારા શનિવારે મહિલા મોરચાના નવા હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં જામનગરના રાજવી પરિવાર સાથે સંકળાયેલ એકતાબા સોઢાને ઉપપ્રમુખ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
એકતાબા સોઢા સામાજિક ક્ષેત્રે સક્રિય રહી અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે. તેઓ જામનગરના રાજવી પરિવારમાંથી આવતા હોવાથી રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં તેમની ઓળખ મજબૂત માનવામાં આવે છે. રાજવી પૃષ્ઠભૂમિ ધરાવતા મહિલા ચહેરાને ભાજપ દ્વારા મહત્વ આપવું આવનારા સમયમાં રાજકારણમાં નવા સમીકરણો ઉભા કરી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
માહિતી મુજબ, એકતાબા સોઢા અગાઉ પણ જાહેર કાર્યક્રમોમાં સક્રિય રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જામનગરના પૂર્વ રાજવી શત્રુશલ્યસિંહને મળવા તેમના મહેલમાં ગયા હતા, ત્યારે એકતાબા સોઢા પણ હાજર હતા. આ ઉપરાંત, તેઓ ગાંધીનગર સ્થિત વિધ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત પણ લઈ ચૂક્યા છે, જે તેમના શૈક્ષણિક અને સામાજિક મુદ્દાઓ પ્રત્યેના રસને દર્શાવે છે.
ભાજપના સૂત્રો અનુસાર, એકતાબા સોઢા હવે મહિલા મોરચામાં સક્રિય ભૂમિકા ભજવશે અને સંગઠનને મજબૂત બનાવવા માટે કાર્ય કરશે. ખાસ કરીને મહિલા સશક્તિકરણ અને સમાજસેવા સાથે જોડાયેલા મુદ્દાઓમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી શકે છે. જામનગરમાંથી આવતા નવા ક્ષત્રિય મહિલા નેતૃત્વને ભાજપે આગળ લાવતા રાજ્યના રાજકારણમાં નવા પરિમાણો સર્જાવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. હવે જોવું રહ્યું કે એકતાબા સોઢા આ નવી જવાબદારીને કેવી રીતે નિભાવે છે અને સંગઠનમાં પોતાની છાપ કેવી રીતે છોડે છે.