જયરાજસિંહ જાડેજાના ‘ખાસમખાસ’ વ્યક્તિએ કોંગ્રેસ કાર્યકરને ‘મર્ડર’ની ધમકી આપી
■ શૈલેષ પીપળીયાએ શૈલેષ રૈયાણીને કહ્યું નિલેષ રૈયાણીની જેમ જ તારૂ મર્ડર કરી નાંખવાનું છે
■ શૈલેષ પીપળીયા નિલેષ રૈયાણી હત્યાકેસમાં નિર્દોષ છૂટેલા છે
■ ગોંડલમાં ચૂંટણી વિવાદે લીધુ તીખુ રૂપ
■ ગણેશ ગોંડલનો અંગત ઇકબાલ કઈડાનો પણ અરજીમાં નામ જોગ ઉલ્લેખ
સિટી ન્યૂઝ@ગોંડલ
ગોંડલમાં નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય તણાવ વધ્યો છે. કોંગ્રેસના કાર્યકર અને વોર્ડ નં. ૧૦ (ભોજરાપરા વિસ્તાર)માંથી ઉમેદવારી કરનાર શૈલેષભાઈ મગનભાઈ રૈયાણીએ પોલીસમાં અરજી નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા. ૧૮ મે ૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૯ થી ૯:૩૦ વાગ્યાના અરસામાં તેઓ ભોજરાજપરા વિસ્તારમાં રામ પાન પાસે હાજર હતા ત્યારે અશોકભાઈ પીપળીયા અને તેના સાથીઓએ તેમને ગાળો આપી ધમકી આપી હોવાનો આક્ષેપ છે.
ફરિયાદમાં જણાવાયું છે કે ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરવા બદલ ખાર રાખીને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ અગાઉના એક ઘટનાનો ઉલ્લેખ કરીને ગંભીર પરિણામોની ચેતવણી આપ્યાનો પણ આરોપ છે. આ ઉપરાંત, ઈકબાલ કઈડા નામના વ્યક્તિએ પણ સ્થળ પર આવીને ધમકી આપી હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ફરિયાદીનું કહેવું છે કે બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે અને તેઓને સ્થાનિક સ્તરે પ્રભાવશાળી લોકોનું સમર્થન છે, જેના કારણે તેમને તથા તેમના પરિવારને જીવનું જોખમ છે. ફરિયાદીએ જણાવ્યું છે કે પરિવારમાં સગા કાકાના અવસાન અને અન્ય વ્યક્તિગત કારણોસર ફરિયાદ દાખલ કરવામાં મોડું થયું હતું. પોલીસે આ મામલે અરજી સ્વીકારી આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.