8મે થેલેસેમિયા ડે: જૂનાગઢના ટ્રસ્ટની પ્રેરણાદાયક કામગીરી
અવસાન બાદ કુરિવાજો દૂર કરી 51000 ના ભંડોળથી સંસ્થા શરૂ થઈ
કુંડળી નહીં મળે તો ચાલશે, પણ થેલેસેમિયા ટેસ્ટ જરૂરી: ટ્રસ્ટનું સૂત્ર
વૃદ્ધાવસ્થાના કારણે ટ્રસ્ટ સંકેલ્યું, પણ 3 લાખના દાનથી સેવા અવિરત
સિટી ન્યૂઝ@જૂનાગઢ
8 મે એટલે વિશ્વ થેલેસેમિયા ડે. જૂનાગઢની સેવાભાવી સંસ્થા માતુશ્રી મણી દવે નૂતન અભિગમ ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયા રોગ અંગે જાગૃતિ લાવવાની યાદગાર અને ભગીરથ કામગીરી કરવામાં આવી છે. 1994 માં મણી દવેના અવસાન પછી સામાજિક કુરિવાજો દૂર કરવાની જાહેરાત કરાઈ હતી. તેમની રજત તુલા કરી તેમાં રકમ ઉમેરી 51000 રૂપિયાનું દાન કવિ મનોજ ખંડેરિયાને અર્પણ કરી આ ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી.
ટ્રસ્ટના પ્રમુખ શશીકાંત દવે, ઉપપ્રમુખ ડો. જી. કે. ગજેરા અને મંત્રી નરેન્દ્ર દવે સહિતના અગ્રણીઓએ થેલેસેમિયા મેજર રોગ અટકાવવા મહાઅભિયાન ચલાવ્યું હતું. સંસ્થાએ અપરણિત યુવક-યુવતીઓના લોહી પરીક્ષણ કેમ્પ યોજી સર્ટિફિકેટ આપ્યા અને જાગૃતિ લાવી કે, "લગ્ન સમયે કુંડળી નહીં મેળવશો તો ચાલશે, પણ થેલેસેમિયા સર્ટિફિકેટ નહિ મેળવો તો નહીં ચાલે." સંસ્થાની રજૂઆતથી થેલેસેમિયા પીડિતોને એસટી અને રેલવે મુસાફરીમાં રાહત પણ મળી હતી. આ કામગીરીની નોંધ લઈ 1 મે 1997 ના રોજ રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગર ખાતે શશીકાંત દવે અને મણી દવેનું બહુમાન કરાયું હતું.
હાલમાં શશીકાંત દવેની ઉંમર 90 વર્ષ આસપાસ થતાં તેમણે ટ્રસ્ટ સંકેલી લીધું છે. પરંતુ સેવાકાર્ય અવિરત ચાલુ રહે તે માટે સંસ્થાના ભંડોળમાંથી નવજીવન બ્લડ બેંક (ગજેરા પેથોલોજી લેબોરેટરી) ને 200000 અને હાટકેશ હોસ્પિટલને 100000 રૂપિયાનું શરતી દાન આપ્યું છે. આ રકમના વ્યાજમાંથી દર વર્ષે 8 મેના રોજ નિશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ કરી આપવામાં આવશે.
બે માઈનોર વાહકોના લગ્નથી મેજર બાળકનો ખતરો
થેલેસેમિયા માઈનોર વ્યક્તિ સંપૂર્ણ તંદુરસ્ત હોય છે. દાખલા તરીકે, અમિતાભ બચ્ચન પોતે થેલેસેમિયા માઈનોર છે, પણ જયા બચ્ચન નોર્મલ હોવાથી તેમના બાળકો તંદુરસ્ત છે. જો બે થેલેસેમિયા માઈનોર વાહકો અજાણતા પરણે, તો તેમને ત્યાં થેલેસેમિયા મેજર બાળક જન્મવાની શક્યતા રહે છે. મેજર વાહક બાળકને લોહીની ઉણપ રહે છે, જેથી દર 15 થી 20 દિવસે નવું લોહી ચડાવવું પડે છે અને આયુષ્ય ટૂંકું હોય છે. આથી લગ્ન પહેલાં લોહીનો ટેસ્ટ કરાવવો અત્યંત જરૂરી છે.