Loading Please Wait !!!
અધિક જેઠ માસ: સાળંગપુરમાં કષ્ટભંજનદેવને મોતીના વાઘા અને અન્નકૂટનો શણગાર

સિટી ન્યૂઝ@રાજકોટ

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે 'અધિક જેઠ માસ' (પુરુષોત્તમ માસ) નિમિત્તે દાદાને દરરોજ વિશેષ શણગાર કરવામાં આવી રહ્યો છે. શનિવાર, જેઠ સુદ આઠમના રોજ દાદાને શ્વેત મોતીના કલાત્મક હંસની થીમ પર તૈયાર કરાયેલા દિવ્ય વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ સાથે સિંહાસનને પણ મોરની થીમ પર મોતીથી નયનરમ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. પૂજારી સ્વામીના જણાવ્યા અનુસાર, સુરતમાં સાત દિવસની જહેમત બાદ તૈયાર થયેલા આ મોતીના વાઘા દાદાને અર્પણ કરાયા હતા. શનિવાર નિમિત્તે દાદાને બે અલગ-અલગ અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યા હતા.

પ્રથમ અન્નકૂટમાં વિવિધ મીઠાઈઓ અને ફરસાણનો સમાવેશ થતો હતો, જ્યારે સવારે 9 વાગ્યે કેરી અને જાંબુ જેવા ફળોનો બીજો અન્નકૂટ અર્પણ કરાયો હતો. વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી અને 7:00 કલાકે સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં હરિભક્તોએ ધજા ચઢાવી, આરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ ઉપરાંત, પવિત્ર અધિક માસ નિમિત્તે પારિવારિક શાંતિ અર્થે મંદિરના પટાંગણમાં 17 મેથી 15 જૂન સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો લાભ લઈ રહ્યા છે.