Loading Please Wait !!!
“ભારત હિન્દુ રાષ્ટ્ર બનીને જ રહેશે” બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો હુંકાર

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે હનુમંત કથાનો ભવ્ય પ્રારંભ

‘પરમાત્મા જાણવા માટે નહીં, અનુભવ કરવાનો વિષય છે’ : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી

  • » હનુમંત કથાના પ્રથમ દિવસે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

  • » રાજકોટમાં ત્રણ વર્ષ બાદ બાગેશ્વર બાબાનું આગમન

  • » હિન્દુઓને જોડવા માટે કથાનું આયોજન: ધીરેન્દ્ર શાસ્ત્રી

  • » બે દિવસ કથા અને એક દિવસ દિવ્ય દરબાર યોજાશે

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ આયોજિત 'સનાતન સેતુ હનુમંત કથા' નો ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો છે. કથાના પ્રથમ દિવસે ધીરેન્દ્ર શાસ્ત્રીજી (બાગેશ્વર ધામ) ના મુખેથી કથા શ્રવણ કરવા હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ૩ વર્ષ બાદ રાજકોટ પધારેલા બાબાનું સંતો-મહંતો દ્વારા ભવ્ય સન્માન કરાયું હતું. કથા પૂર્વે સી.સી. ધ રોકસ્ટાર બેન્ડ અને બોલિવૂડ પ્લેબેક સિંગર ચૈતાલી છાયાએ 'રામ સિયારામ' ની ધૂનથી ભક્તિમય માહોલ સર્જ્યો હતો.

કથાની શરૂઆતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ ગુજરાતની સંતભૂમિને નમન કરતા હુંકાર કર્યો હતો કે, હનુમાન દાદાના આશીર્વાદથી ભારત હિન્દુ રાષ્ટ્ર બનીને જ રહેશે. આ કથાનો મુખ્ય હેતુ હિન્દુઓને એકજૂટ કરવાનો છે. તેમણે વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું કે, અમારો વિરોધ કરનારાઓએ લવ જેહાદનો પણ વિરોધ કરવો જોઈએ. મારો વિરોધ કરવા કરતા દરગાહ પર ચાદર ચડાવવા જતા હિન્દુઓનો વિરોધ કરો. બાબાએ 'AI' નો અર્થ 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' ના બદલે 'હિન્દુત્વ ઇન્ટેલિજન્સ' ગણાવ્યો હતો. તેમણે અપીલ કરી કે ધર્માંતરણ અટકાવવા અમીર હિન્દુઓએ ગરીબ હિન્દુઓની મદદ કરવી જોઈએ. પરમાત્મા જાણવાનો નહીં, પણ અનુભવ કરવાનો વિષય છે. બુરાઈને મારવા આત્મામાં રામને જગાડવા જ પડશે. સંસાર પર નહીં, પણ ભગવાન પર ભરોસો રાખો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપી અનેક શ્રદ્ધાળુઓ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પબ્લિક ટ્રાન્સપોર્ટ મારફતે કથા સ્થળે પહોંચ્યા હતા. ૩ દિવસીય આ આયોજનમાં કથા શ્રવણની સાથે સાંજે ભક્તો માટે લોકસાહિત્યના કાર્યક્રમો પણ યોજાશે. ૬ જૂને યોગેશ બોકસા અને ૭ જૂને દેવ ભટ્ટ તથા બિરજુ બારોટ લોકદાયરાની રમઝટ બોલાવશે. કથા દરમિયાન ૧ દિવસ દિવ્ય દરબારનું પણ આયોજન કરાયું છે.