કચ્છની યુવતીને સરધારમાં ગોંધી રાખી દુષ્કર્મ આચરી 20 લાખની ખંડણી માંગી
બંદૂકની અણીએ ધમકી આપનાર જિ.પં.ના સદસ્યાના પતિ સહિત 4 સામે ફરિયાદ : પરિવારજનો છોડાવવા આવ્યા ત્યારે યુવતીને સોંપવાની ના પાડી દેતા ભાઈએ દરવાજો તોડી બહેનને મુક્ત કરાવી
સિટી ન્યૂઝ@રાજકોટ
નવાગામ સરધાર ખાતે એક ૨૦ વર્ષીય નર્સિંગ યુવતીને બળજબરીપૂર્વક બંધક બનાવી શારીરિક-માનસિક ત્રાસ આપવાનો અને બળાત્કાર આચરી રૂ. ૨૦ લાખની ખંડણી માંગવાના કેસમાં રાજકોટ જિ.પં.ના સદસ્યાના પતિ સહિત ૪ સામે યુવતીએ ફરિયાદ નોંધાવતા આજીડેમ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવતા વિશેષ તપાસ રાજકોટ આજીડેમ પોલીસને સોંપવામાં આવી છે.
મૂળ કચ્છની યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણી ત્રણ વર્ષ પહેલા કોટડા પંથકની હાઈ સ્કૂલમાં ધોરણ-૧૨ માં અભ્યાસ કરતી હતી, ત્યારે તેણી સાથે જ ભણતા રામ હૈયા અવારનવાર પીડિતા સાથે વાત કરવા અને સંપર્ક રાખવા પ્રયત્ન કરતો હતો પરંતુ તેણીએ અભ્યાસ પૂરો કરી જામનગર ખાતે નર્સિંગનો બે વર્ષનો અભ્યાસ શરૂ કર્યો હતો. નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગત તા. ૦૧/૦૧/૨૦૨૬ ના રોજ તેણી કોલેજમાં પોતાનું રિઝલ્ટ લઈ પરત ફરતી હતી. ત્યારે આરોપી રામ ગ્રે કલરની ફોર વ્હીલ ગાડી લઈને ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે યુવતીનો હાથ પકડી, બળજબરીથી ગાડીમાં બેસાડી દીધી હતી અને કોરા કાગળ પર સહી કરાવી તેમજ ફોટા પાડી યુવતીને રાજકોટ મૂકીને જતો રહ્યો હતો.
ત્યાર બાદ તા. ૨૩/૦૩/૨૦૨૬ ના રોજ તેણી બીમાર ફોઈના ઘરે કામ કરવા જવા નીકળી હતી. સવારે સાડા નવકે વાગ્યે સામખીયારી બસ સ્ટેન્ડ પર ઉતરીને આગળ ચાલતી હતી, ત્યારે આરોપી રામ તેના અન્ય બે અજાણ્યા માણસો સાથે અલ્ટો ગાડી લઈને ધસી આવી તેણીનો મોબાઈલ ફોન ઝૂંટવીને બંધ કરી દીધો હતો અને નવાગામ (સરધાર) ખાતે રામના ઘરે લઈ આવ્યા હતા. બાદ રામે તેણીએ પોતાના ઘરે એક રૂમમાં પૂરી દઈ તેણીની મરજી વિરુદ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું આરોપી રામ, તેના પિતા મુકેશભાઈ રાયધણભાઈ હૈયા તથા તેનો ભાઈ શ્યામ મુકેશભાઈ હૈયા જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જ્યારે પણ પીડિતા મુક્ત થવાનું કહેતી ત્યારે તેને ઢોર માર મારી ત્રાસ આપતા હતા. બાદ આરોપીઓના સંબંધી રાજાભાઈ ઉર્ફે રાજેશભાઈ મેણંદભાઈ ચાવડાએ યુવતીના માથે બંદૂક જેવું હથિયાર મૂકી દીધું હતું. તેણે ધમકી આપી હતી કે, જો તારા પિતાજી અમને રૂપિયા વીસ લાખ આપશે તો જ અમે તને જીવતી છોડીશું. નહીંતર તને અહીં જ પૂરી દઈશું.
આશરે પંદર દિવસ પહેલા, તેણીના હાથમાં રામનો મોબાઈલ ફોન આવી ગયો હતો. જેથી સ્નેપચેટ એપ્લિકેશન ખોલી પોતાના ભાઈનો નંબર મેળવ્યો હતો. તેણે ભાઈને ફોન કરીને ગુપ્ત રીતે જણાવ્યું કે, "મને નવાગામ ખાતે બધા ભેગા મળીને હેરાન કરે છે અને મારપીટ કરે છે, મને અહીંથી ગમે તેમ કરીને છોડાવી જાઓ. જેથી તેણીનો ભાઈ, પિતા અને મામા સહિતના લોકો ગાડી લઈને નવાગામ (સરધાર) પહોંચ્યા હતા. શરૂઆતમાં આરોપીઓએ યુવતીને સોંપવાની સ્પષ્ટ ના પાડીને રૂપિયાની માંગણી ચાલુ રાખી હતી, પરંતુ તેણીના ભાઈએ બહેનને જે રૂમમાં પૂરી રાખી હતી તે રૂમનો દરવાજો તોડી નાખ્યો હતો અને બહેનને ગાડીમાં બેસાડી ત્યાંથી મુક્ત કરાવી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.
હું નિર્દોષ છું મારી કોઈ ભૂમિકા નથી: રાજેશ ચાવડા
સિટી ન્યૂઝ સાથેની ટેલિફોનિક વાતચીતમાં રાજેશ ચાવડાએ જણાવ્યું હતું કે હું તો ફરિયાદીની મદદમાં હતો મને ખોટી રીતે ફિટ કરવામાં આવ્યો. આ કેસમાં હું પોલીસને તમામ રીતે સહયોગ આપીશ. મેં હથિયાર રાખ્યું નથી જે વાત સાવ ખોટી છે અને ફરિયાદીના પિતાને પણ મેં છેક સુધી મદદ કરેલી છે તે તેમને ખબર છે આવનાર દિવસોમાં તપાસ બાદ જ ખબર પડી જશે કે હું નિર્દોષ છું.