લક્ષ્મીનગરમાં પત્ની રિસામણે જતા સ્ટેટ્સ મૂકી પતિનો આપઘાત
- ચોક્કસ કારણ જાણવા માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી
સીટી ન્યૂઝ@રાજકોટ
શહેરમાં નાના મવા રોડ પર લક્ષ્મીનગરમાં રહેતા યુવકની તેના ઘરે લટકતી હાલતમાં લાશ મળી આવતા પરિવારમાં શોક છવાયો છે. મૃતક યુવકના પિતાએ પુત્રની હત્યાનો આક્ષેપ કર્યો હતો જ્યારે પોલીસની તપાસમાં પત્ની ચારેક દિવસથી રિસામણે ચાલી જતા મોબાઈલમાં સ્ટેટ્સ મૂકી આત્મઘાતી પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે.
રાજકોટના લક્ષ્મીનગરમાં રહેતા રીક્ષાચાલક અમિતભાઈ ગોવિંદભાઈ ભોજાણીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સવારે જ્યારે અમિતના પિતા તેમને જગાડવા રૂમમાં ગયા, ત્યારે પુત્ર રૂમમાં લાકડાની આડી સાથે ચુંદડી બાંધીને લટકતી હાલતમાં મળી આવતા દેકારો કરતા પાડોશના લોકો એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈમાં નાનો હોવાનું અને સંતાનમાં બે બાળકો હોવાનું અને હાલ તેની પત્ની બાળકો સાથે રિસામણે ચાલી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું રાત્રે પાડોશીએ મારકુટ કરી હોવાનો પિતાએ આક્ષેપ કર્યો હતો. જેમા પોલીસે તપાસ કરતા યુવકના મોબાઈલમાં પત્ની રિસામણે ચાલી ગઈ હોય લાગી આવતા સ્ટેટ્સ મુકી પગલુ ભરી લીધાનું બહાર આવતા પોલીસે મુદકના મોતનું સાચુ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
- માંડાડુંગર પાસે રોડ ક્રોસ કરતા શ્રમિકનું કારની ઠોકરે મોત
મુળ બિહારનો અને હાલ રાજકોટના માંડા ડુંગરમાં રહેતો સુભાષ બજોભાઈ મંડલ રાત્રે આજી ડેમ ચોકડી નજીક આંટો મારીને તેના જ વતનનાં ધર્મેન્દ્ર ધોનાભાઈ મહંતો સાથે પરત ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે માંડા ડુંગર પાસે રસ્તો ઓળંગતી વખતે પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા કારના ચાલકે તે બંનેને હડફેટે લીધા હતા આ અકસ્માતમાં બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સુભાષભાઈનું મૃત્યુ નીપજ્યું હતું બનાવની જાણ થતા આજી ડેમ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.