Loading Please Wait !!!
લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 14 જૂને, 6 જૂનથી કોલલેટર ડાઉનલોડ શરૂ

સિટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છતા અને લાંબા સમયથી તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા અંતર્ગત લેખિત પરીક્ષાની સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે. શારીરિક કસોટી (ગ્રાઉન્ડ) માં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી ૧૪ જૂન, ૨૦૨૬ના રોજ આયોજિત કરવામાં આવશે.

ભરતી બોર્ડના જાહેરનામા ક્રમાંક GPRB/૨૦૨૫૨૬/૧ અંતર્ગત બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ, ઉમેદવારો પરીક્ષા માટેના પોતાના હોલ ટિકિટ એટલે કે કોલલેટર આગામી ૬ જૂન, ૨૦૨૬થી ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોએ આ માટે રાજ્ય સરકારના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ ઓજસ (https://ojas.gujarat.gov.in) પર જઈને વિગતો સબમિટ કરવાની રહેશે. ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને સમયસર કોલલેટર ડાઉનલોડ કરી લેવા અને તેમાં આપેલી પરીક્ષા અંગેની તમામ જરૂરી સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી લેવા તાકીદ કરવામાં આવી છે.

શારીરિક કસોટી બાદ હવે લેખિત પરીક્ષાનો જંગ

ઉલ્લેખનીય છે કે, લોકરક્ષક દળ (LRD) ની આ ભરતી માટે રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર અરજીઓ કરી હતી. પ્રથમ તબક્કાની શારીરિક યોગ્યતા કસોટી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, હવે બીજા અને નિર્ણાયક તબક્કા સમાન લેખિત પરીક્ષા યોજાવા જઈ રહી છે. પરીક્ષાની તારીખ જાહેર થતાં જ ઉમેદવારોમાં ઉત્સુકતા અને આખરી ઓપ આપવા માટેની તૈયારીઓનો વેગ વધી ગયો છે.

ખોટી અફવાઓથી દૂર રહેવા ભરતી બોર્ડની અપીલ

પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને સોશિયલ મીડિયા પર વહેતી થતી પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારની ખોટી અફવાઓ કે ગેરમાર્ગે દોરતા તત્વોથી સાવધ રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે. પરીક્ષા સંબંધિત તમામ સત્તાવાર અને અધિકૃત માહિતી માટે ઉમેદવારોને માત્ર અને માત્ર ઓજસ (OJAS) ની ઓફિશિયલ વેબસાઈટ પર જ સતત નજર રાખવા માટે અપીલ કરવામાં આવી છે.