લોઠડા ગામ પાસે પેટ્રોલ પંપ સંચાલકને પેટ્રોલ પંપ બંધ કરાવી દઈશ કહી ધમકી
» હાથ-પગ ભાંગી તને જાનથી મારી નાખીશ કહી ધમકી આપનાર કારચાલક સામે ફરિયાદ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર સેટેલાઇટ પાર્કમાં રહેતાં અને રાજકોટ નજીક લોઠડા ગામે હાઇવે પર પ્રનિશા પેટ્રોલિયમ નામથી એચ.પી.નો પેટ્રોલપંપ ચલાવતા દિલીપભાઇ ઉમીયાશંકર દવે ઉ.૫૮ને ડિઝલ આપવા બાબતે કાર ચાલકે ગાળો દઇ ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. દિલીપભાઇએ આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સવારે તે પોતાના પેટ્રોલ પંપે હતા ત્યારે એક વેન્યુ કારનો ચાલક ત્યાં ડિઝલ લેવા માટે આવ્યો હતો. ત્યાર બાદ ચાલક કારમાંથી નીચે ઉતરી તેની પાસે જઇ ડિઝલ કેમ આપતા નથી, ડીઝલ ન આપવુ હોય તો તમારો પેટ્રોલ પંપ બંધ કરાવી દઇશ" કહી ગાળો આપવા લાગ્યો હતો તેને ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા કાર ચાલકે 'તારા હાથ પગ ભાંગી તને જાનથી મારી નાખીશ' કહી ઝઘડો કરવા લાગ્યો હતો. અન્ય પેટ્રોલ પંપના કર્મચારી આવી જતા ચાલક કાર લઈ ત્યાંથી જતો રહ્યા બાદ આ મામલે ફરિયાદ નોંધાવતા આજી ડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
» પતિ, સાસુ, નણંદે મારકૂટ કરી ફિનાઈલ પીવડાવવાનો પ્રયાસ કર્યો
» ગોંડલ રોડ પરના આંબેડકરનગરની ઘટના અંગે નોંધાવી ફરિયાદ
રાજકોટના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતા વર્ષાબેન ઉ.૪૦એ ખોટી ફરિયાદ નોંધાવવાનો ઇન્કાર કરતાં પતિ ધનસુખ ચૌહાણ, સાસુ વાલીબેન અને નણંદ રંજનબેન વાળાએ મારકૂટ કરી ત્રાસ આપ્યાની માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વર્ષાબેને સાસરિયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તે પતિ અને પુત્ર સાથે રહે છે. સાસુ બાજુમાં અલગ રૂમમાં રહે છે. નણંદ ઘર નજીકની શિવ ટાઉનશીપમાં રહે છે. વીસેક દિવસ પહેલા સાસુને જમાઈ નરેન્દ્ર સાથે માથાકૂટ થઈ હતી. જેથી નરેન્દ્રએ તેના સાસુ, પતિ અને નણંદ વિરુદ્ધ અરજી કરી હતી ગઈ તા. ૧૦ના રોજ સાંજે તેનો પતિ નશાની હાલતમાં ઘરે આવ્યો હતો. તે વખતે પતિ અને સાસુએ નરેન્દ્ર વિરુદ્ધ પોલીસમાં ખોટી ફરિયાદ નોંધાવવાનું કહેતાં તેણે ના પાડી હતી. જેથી બંનેએ તેની સાથે માથાકૂટ કરી હતી. થોડીવાર બાદ નણંદે આવી સાસુને ફિનાઈલની બોટલ આપી કહ્યું આને પીવડાવી દયો પરિણામે ઝપાઝપી થતાં ફિનાઈલ તેના શરીર પર ઢોળાઈ ગયું હતું. તે સાથે જ ત્રણેયે તેની સાથે મારામારી કરતાં તેણે બૂમાબૂમ કરી હતી. ત્યાર પછી ત્રણેય જતા રહ્યા હતા.