Loading Please Wait !!!
રસોઈ ગેસ (LPG)ના ભાવ વધારાથી ગૃહિણીઓમાં રોષ

  • જિલ્લા નારી સુરક્ષા સમિતિએ મોંઘવારી મુદ્દે સરકાર સામે ઉઠાવ્યા સવાલ, ગેસ સિલિન્ડર પહોંચ્યો 943

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ સ્થિત જિલ્લા નારી સુરક્ષા સમિતિએ રસોઈ ગેસ (LPG) સિલિન્ડરના ભાવમાં થયેલા તાજેતરના વધારાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સમિતિના જણાવ્યા મુજબ કાળઝાળ મોંઘવારી વચ્ચે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો થતાં સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું બજેટ વધુ ખોરવાયું છે.

જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ)ના હેમાબેન કડક, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, રજનીબેન આસવાની, સરલાબેન પાટડીયા, કૈલાશબેન વાઘેલા, પ્રફુલાબેન ચૌહાણ, જશુબા વાંક અને પદ્માબા ચૌહાણ દ્વારા સંયુક્ત અખબારી યાદી જાહેર કરીને જણાવ્યું હતું કે સરકારી તેલ કંપનીઓએ ૭ જૂન, ૨૦૨૬ના રોજ ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં ૨૦નો વધારો કર્યો છે. ત્રણ મહિનામાં આ બીજી વખતનો ભાવવધારો છે.

સમિતિએ રજૂ કરેલા આંકડા મુજબ સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન ૧૪.૨ કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત ૫૯૫ વચ્ચે હતી. માર્ચ ૨૦૨૪માં ભાવ ૮૦૩ થયો હતો. ત્યારબાદ એપ્રિલ ૨૦૨૫માં ૫૦ના વધારા સાથે ભાવ ૮૫૩ થયો, ૭ માર્ચ, ૨૦૨૬ના રોજ ૧૦ વધીને ૮૧૩ થયો અને ૭ જૂન, ૨૦૨૬ના રોજ ૨૦ના વધારા સાથે ભાવ ૯૪૩ થી ૯૪૩ સુધી પહોંચ્યો છે.

સમિતિના જણાવ્યા મુજબ છેલ્લા ૫ વર્ષમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં અંદાજે ૩૫૦નો વધારો નોંધાયો છે, જેના કારણે ગૃહિણીઓ અને મધ્યમવર્ગીય પરિવારો પર આર્થિક બોજ વધ્યો છે.

જિલ્લા નારી સુરક્ષા સમિતિએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડા અને કેટલીક વસ્તુઓ પર રાહતની જાહેરાતો કરવામાં આવી હોવા છતાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા મળતો નથી. તેના બદલે સતત ભાવવધારો થઈ રહ્યો હોવાનું સમિતિએ જણાવ્યું હતું.

જિલ્લા નારી સુરક્ષા સમિતિએ જણાવ્યું હતું કે રસોડાથી જોડાયેલી અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના સતત વધતા ભાવના કારણે મહિલાઓ અને ગૃહિણીઓમાં અસંતોષ વધી રહ્યો છે. સમિતિના મતે મોંઘવારી પર નિયંત્રણ માટે અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો તેની અસર આગામી રાજકીય પરિસ્થિતિમાં પણ જોવા મળી શકે છે.

સમિતિએ અંતમાં કેન્દ્ર સરકારને વધતી મોંઘવારી અને ગેસના ભાવવધારો અંગે તાત્કાલિક રાહતના પગલાં ભરવા અપીલ કરી છે.