Loading Please Wait !!!
મદનમોહન પ્રભુની હવેલીમાં 7 જૂને ‘ઇન્દ્રમાન ભંગ’ મનોરથ

અધિક માસ નિમિતે 7 જૂને ઠાકોરજી સન્મુખ ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉઠાવ્યાના દર્શન

આગામી 5 જૂન, શુક્રવારે ભવ્ય આંબા મનોરથ, ઠાકોરજી મોતીના બંગલામાં બિરાજમાન થશે

સિટી ન્યૂઝ@રાજકોટ

પવિત્ર અધિક માસ (પુરુષોત્તમ માસ) ચાલી રહ્યો છે, ત્યારે રાજકોટની શ્રી મદનમોહન પ્રભુની હવેલીમાં વૈષ્ણવ ભક્તો માટે દરરોજ જુદી જુદી સજાવટ અને મનોરથના અલૌકિક દર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અધિક જેઠ વદ સાતમને રવિવાર, ૭ જૂન ૨૦૨૬ ના રોજ હવેલીમાં ‘ઇન્દ્રમાન ભંગ’ મનોરથના ભવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આગામી ૭ જૂને યોજાનાર ‘ઇન્દ્રમાન ભંગ’ મનોરથમાં અદ્ભુત દ્રશ્ય ઉભું કરવામાં આવશે. જેમાં ઠાકોરજીએ પોતાની ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો હોય તેવું આબેહૂબ દ્રશ્ય અને વરસાદી વાતાવરણની સજાવટ કરવામાં આવશે. ઠાકોરજી સન્મુખ થનારા આ અનેરા દર્શનનો લાભ લેવા માટે હવેલી પ્રશાસન તરફથી રાજકોટની સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ‘ઇન્દ્રમાન ભંગ’ પૂર્વે, ૫ જૂન ૨૦૨૬ ને શુક્રવારના રોજ હવેલીમાં ભવ્ય ‘આંબા મનોરથ’ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મનોરથમાં વિશેષ આકર્ષણ તરીકે ઠાકોરજી મોતીના બંગલામાં બિરાજમાન થશે. આ બંને અલૌકિક મનોરથ માટે દર્શનનો સમય રાત્રે ૮:૩૦ કલાકે (શયન દર્શન) રાખવામાં આવ્યો છે.

દર્શન દરમિયાન કોઈપણ વૈષ્ણવ ભક્તને અગવડતા ન પડે તે માટે વ્રજધામ ગ્રુપ અને સજાવટ ગ્રુપ દ્વારા સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટી ગોવિંદ દાવડાના જણાવ્યા અનુસાર, વ્રજધામ અને સજાવટ ગ્રુપના સભ્યો દિવસ-રાત ભારે પરિશ્રમ કરી રહ્યા છે, જેથી વૈષ્ણવોને આ દિવ્ય અને ભવ્ય દર્શનનો સંપૂર્ણ લાભ મળી શકે.