મહાપાલિકામાં જૂના શંકાસ્પદ પ્રોજેક્ટ મેયરના રડારમાં ક્લીન અપ ડ્રાઇવ શરૂ
=> લાલ આંખ; મનપાને જે કોઈએ નુકશાન કર્યું કે કરાવ્યું તે અધિકારી–કોન્ટ્રાક્ટર ઘરભેગા ?
=> પૂર્વ ચેરમેન ઠાકરે બે વર્ષમાં મંજૂર કરેલા ‘કાળા’ પ્રોજેક્ટ ફાઇલો ખૂલ્લી રહી છે ?
=> જૂની ટીમના બે સંગઠન નેતા ઉપર પણ સકંજો આવશે?
=> બે વર્ષમાં મંજૂર કરેલા પ્રોજેક્ટ શંકાના આધારે સ્થગિત
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં નવનિયુક્ત મેયર ડૉ. નયન શુક્લાના કાર્યકાળની શરૂઆત સાથે જ મનપામાં મોટા પાયે કાર્યવાહીનો ધડાકો થયો છે. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમીન ઠાકરના સમયગાળામાં મંજૂર થયેલા અનેક શંકાસ્પદ પ્રોજેક્ટ્સ પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવી છે.
મેયર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, હવે કોર્પોરેશનમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન નહીં કરવામાં આવે અને પ્રજાના પૈસાનો બગાડ અટકાવવામાં આવશે. ખાસ કરીને લગભગ ૧૧૦૦ કરોડના કામો સહિત ઝોનલ કોન્ટ્રાક્ટર્સની કામગીરીને પણ તપાસના ઘેરામાં લેવામાં આવી છે.
માહિતી મુજબ, અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્ય તરીકે રહેલા મેયર નયન શુક્લાએ આ કામોને લઈને વિરોધ નોંધાવ્યો હતો. હવે સત્તા સંભાળતા જ તેમણે આ તમામ પ્રોજેક્ટ્સની ઊંડાણપૂર્વક સમીક્ષા શરૂ કરાવી છે.
મેયરે અધિકારીઓને આદેશ આપ્યો છે કે આગામી ૩ દિવસમાં તમામ ઓન-પેપર અને મંજૂર થયેલા કામોની વિગતવાર વાસ્તવિક રિપોર્ટ રજૂ કરવામાં આવે. જો કોઈ ગેરરીતિ સામે આવશે તો જવાબદારો સામે કડક પગલાં લેવાશે તે પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે.
આ નિર્ણયને લઈને મનપાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અગાઉ જે પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપવામાં આવી હતી, તે જ કામો હવે અટકાવવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. હવે નજર રહેશે કે આ તપાસમાં શું બહાર આવે છે અને શું ખરેખર કોઈ મોટો ભ્રષ્ટાચાર સામે આવે છે કે નહીં.
ગત ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર થયેલા કચરાના ૧૧૦૦ કરોડ સહિતના કામો શંકાસ્પદ હોવાનું નેહલ શુક્લે જણાવ્યું હતું. તેમજ ઝોનલ કોન્ટ્રાક્ટમાં મુદત પૂર્ણ થયા બાદ નવો કોન્ટ્રાક્ટ અપાય તે સમયગાળા દરમિયાન થતો કામનો ખર્ચ એકજ એજન્સીને મળે છે કે કેમ તેનો પણ વિરોધ કરેલો છતાં અનેક કોન્ટ્રાક્ટ તેમની ઇચ્છા વિરુદ્ધ મંજૂર કરવામાં આવ્યા છે જેના ઉપર હાલ રોક લગાવી દેવામાં આવી છે.