મહીકાના બે ખેડૂતોને કૂપન સ્કેચ કરવાનું કહી 22,000 પડાવી લીધા
- આ વાતની કોઈને જાણ કરીશ તો તારો વારો કાઢીશું તેમ કહી ધમકી આપી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના ગામડાઓમાં વાડીએ જઇ ખેડૂતને અલગ અલગ ઇનામી ડ્રોના કુપન બતાવી કુપન સ્કેચ કરશો તો ઇનામ આપવાની લાલચ આપી પરાણે રકમ પડાવી ખેડૂતોને ધમકી આપતી ગેંગ સક્રિય થઇ છે. આ મામલે આજી ડેમ પોલીસમાં બે ફરિયાદો નોંધાતા બાદ પોલીસે આ ગેંગને સકંજામાં લઈ પૂછતાછ શરૂ કરી છે. મહીકા ગામે રહેતા ધીરૂભાઈ ગોબરભાઈ મોલિયાએ છ અજાણ્યા શખ્સો સામે આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બે દિવસ પહેલા તે વાડીએ હતા ત્યારે આરોપીઓ ત્યાં આવ્યા હતા અને તેને ઇનામી ડ્રોના અલગ-અલગ કૂપનો બતાવી કૂપન સ્કેચ કરશો તો અલગ-અલગ ઇનામ આપણું તેવી લાલચ આપી એક કૂપન સ્કેચ કર્યું હતું. જેમાં મિક્સર લાગેલ હતું. આથી ચાર કૂપન સ્કેચ કરવા પડશે તેમ આરોપીએ કહેતા તેને ના પાડી હતી આથી આરોપીઓએ ગાળાગાળી કરી ૫૦ ટકામાં બધી વસ્તુઓ લેવી પડશે તેમ કહી તેના ખિસ્સામાંથી ૪ હજાર લઈ લીધા હતા. એટલું જ નહીં બાકીના ૧૮,૫૦૦ તેના ભાઈની ડેરીએથી અન્ય બે આરોપીઓ મારફત લેવડાવી લઈ છેતરપિંડી આચરી આ વાતની કોઈને જાણ કરીશ તો તારો વારો કાઢીશું તેમ કહી ધમકી આપી નાસી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.આ ઉપરાંત આવી જ રીતે મહીકામાં જ રહેતા ખેડૂત રમેશભાઈ શામજીભાઈ મોલિયાએ બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું કે આરોપીઓએ તેને પણ કૂપન બતાવી સ્કેચ કરશો તો ઇનામ આપવાની લાલચ આપી હતી. એક કૂપન આરોપીઓએ સ્કેચ કરી તેને ૨૨ હજાર આપવાનું કહેતા ના પાડી હતી.
- રાજકોટ સાયબર ક્રાઈમમાં 5 ખાતા ધારકો સામે ફરિયાદ નોંધાઈ
રાજકોટ સાયબર ક્રાઈમની ટીમને મળેલ મ્યુલ બેન્ક એકાઉન્ટની માહિતી આધારે રૈયા રોડ ઉપર રહેતા મયુર રાયસંગ ધરજીયા, ધોરાજીના વનરાજ જીતેન્દ્ર ચાવડા અને ધારીના જેનિલસિંહ પ્રકાશસિંહ પરમારે આર્થિક લાભ મેળવવા પૂર્વ આયોજીત કાવતરું રચી ફ્રોડના નાણાં પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી તગડું કમિશન મેળવતા સાયબર ક્રાઈમની ટીમે ગુનો નોંધી ત્રણેય શખ્સને સકંજામાં લઈ મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે જ્યારે બીજા એક ગુનામાં મવડી ગોલ્ડ હાઉસમાં રહેતા પરિસકુમાર જેન્તી શીશાંગીયાને સંકંજામાં લઈ તેના બેંક એકાઉન્ટની તપાસ કરતાં તેના એકાઉન્ટમાં ફ્રોડના ૩.૯૮ કરોડથી વધુની રકમ સાયબર ફ્રોડની જમા થઈ હોવાનું સામે આવ્યું હતું.