Loading Please Wait !!!
મકનબાપા તિથી મહોત્સવ : પંચનાથ મહાદેવ મંદિરે લઘુ વિષ્ણુ યજ્ઞ યોજાશે

»સમસ્ત રાવરાણી (ચાવડા) પરિવાર દ્વારા ધોરાજીમાં ધાર્મિક મહોત્સવનું ભવ્ય આયોજન

» 8 જૂને રાત્રે 9:30 કલાકે સંતવાણી લોકડાયરો, 9 જૂને બપોરે સર્વે ભક્તજનો માટે મહાપ્રસાદ

» 9 જૂને સવારે 10 વાગ્યે વિશિષ્ટ મહેમાનો અને સમાજસેવકોનું સન્માન કરાશે

સિટી ન્યૂઝ@રાજકોટ

સમસ્ત રાવરાણી (ચાવડા) પરિવારના સહયોગથી અને ચામુંડા માતાજી મઠ-ભૂખી તેમજ મકનબાપા સેવાધામ સમિતિ-ભૂખીના આયોજકત્વ હેઠળ આગામી તા. ૯ જૂન, ૨૦૨૬ના રોજ ધોરાજીના જામકંડોરણા રોડ સ્થિત પંચનાથ મહાદેવ મંદિર ખાતે મકનબાપા તિથી મહોત્સવ તથા લઘુ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પુરુષોત્તમ માસ (અધિક) જેઠ વદ નોમના પવિત્ર અવસરે યોજાનારા આ ધાર્મિક મહોત્સવમાં સમાજના અગ્રણીઓ, સંત-મહંતો અને વિવિધ શહેરોમાંથી આગેવાનો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે આયોજક સમિતિ દ્વારા સમગ્ર રાવરાણી (ચાવડા) પરિવારને સહપરિવાર ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લેવા માટે સ્નેહભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પંચનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાનારો આ મહોત્સવ ભક્તિ, સેવા અને સમાજ એકતાનું અનોખું કેન્દ્ર બનશે.

ધાર્મિક મહોત્સવના કાર્યક્રમોની શરૂઆત સવારે ૭ વાગ્યે હેમાદ્રી વિધિથી થશે. ત્યારબાદ સવારે ૮ વાગ્યે લઘુ વિષ્ણુ યજ્ઞ અને હવનનો પ્રારંભ કરવામાં આવશે. સવારે ૧૦ વાગ્યે વિશિષ્ટ મહેમાનો અને સમાજસેવકોના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે ૧૨:૧૫ કલાકે બિડું હોમવાની વિધિ પૂર્ણ કરવામાં આવશે, જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ બાદ સર્વે ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવ પૂર્વે તા. ૮ જૂન, સોમવારની રાત્રે ૯:૩૦ કલાકે સંતવાણી લોકડાયરો યોજાશે. જેમાં જાણીતા લોકગાયક ભાવેશ રબારી, જુગલભાઈ રબારી, રોહિતભાઈ ભરવાડ, મયુર ઉસ્તાદ ટીમ સહિતના અનેક નામી-અનામી કલાકારો ભક્તિ અને લોકસંગીતની રંગત જમાવશે.

આ ધાર્મિક કાર્યક્રમમાં પંચનાથ મહાદેવ મંદિરના મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રદ્ધાનંદગીરી બાપુ, મકનબાપા સેવાધામ સડક પીપળીયાના ગાદીપતિ નરેન્દ્ર ભગત તથા ભક્તિધામ આશ્રમ ચોકી-સોરઠના મહંત વિજયબાપુ વિશેષ ઉપસ્થિત નોંધાવશે. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે વિનુભાઈ વી. ચાવડા - ભાવનગર, અરવિંદભાઈ વી. ચાવડા - અમદાવાદ, સંજયભાઈ આર. રાવરાણી - સુરત, દિલીપભાઈ આર. ચાવડા - અમદાવાદ, અને એસ.કે. પટેલ - અમદાવાદ સહિતના હાજર રહેશે. આ કાર્યક્રમમાં ભાવનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, વડોદરા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી સમાજના અગ્રણી આગેવાનો, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો અને પ્રતિનિધિઓ વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે.

ઉપરાંત વિવિધ મઠોના ભુવાઓ પણ આ પ્રસંગે ધાર્મિક વિધિઓમાં સહભાગી બનશે, જેમાં કાળુભાઈ પી. રાવરાણી (વડિયા મઠ), વિપુલભાઈ વી. રાવરાણી (વડિયા મઠ), રાજુભાઈ ચાવડા (ભાયાવદર મઠ), મોહનભાઈ આર. રાવરાણી (ભાયાવદર મઠ), મનોજભાઈ સી. રાવરાણી (જમનાવડ મઠ), કાળુભાઈ પી. રાવરાણી (જમનાવડ મઠ) અને કિશોરભાઈ એન. રાવરાણી (રાણાખિરસો મઠ) હાજર રહેશે. મહોત્સવ દરમિયાન સુરાપુરા મકનબાપા સેવા સમિતિ (ભાયાવદર) દ્વારા આયોજિત રાજસી સમૂહલગ્નના સફળ આયોજન બદલ સમિતિનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવશે. સમાજમાં સેવાથી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા આ સન્માન કાર્યક્રમ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.

નિમંત્રક તરીકે ભુવા અશ્વિનભાઈ કાનજીભાઈ રાવરાણી, મકનબાપા સેવા સમિતિ ભૂખી મઠ - ધોરાજી, તુષારભાઈ એસ. રાવરાણી, નિલેશભાઈ સી. રાવરાણી, અનીલભાઈ આર. રાવરાણી, દિપકભાઈ જે. રાવરાણી અને હિતેશભાઈ આર. રાવરાણી સમગ્ર કાર્યક્રમમાં સહયોગ આપશે. ધાર્મિક શ્રદ્ધા, સમાજ એકતા અને સેવાભાવના ત્રિવેણી સંગમ સમાન આ મહોત્સવને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ધોરાજીના પંચનાથ મહાદેવ મંદિર ખાતે યોજાનારો આ મહોત્સવ સમગ્ર રાવરાણી (ચાવડા) સમાજ માટે આસ્થાનું અને મિલનનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

» સમાજ વિકાસ માટે નવી પહેલ : 100 આજીવન સભ્ય બનાવવાની ઝુંબેશનો પ્રારંભ

મકનબાપા સેવાધામ સમિતિ-ભૂખી દ્વારા સમાજના વિકાસલક્ષી કાર્યો માટે ૧૦૦ આજીવન સભ્યો બનાવવાની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે. આજીવન સભ્ય ફી રૂ. ૨,૦૦૦ એક વખત માટે નક્કી કરવામાં આવી છે અને તેમાંથી પ્રાપ્ત થતી રકમ મકનબાપા તિથી મહોત્સવ તથા સમાજહિતના કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવશે. વધુમાં વધુ સભ્યો આ અભિયાનમાં જોડાય તેવી સમિતિએ અપેક્ષા વ્યક્ત કરી છે.