Loading Please Wait !!!
મેયર માસ્ટરસ્ટ્રોક મારવાના મૂડમાં: 63 સ્થળે પે એન્ડ પાર્કિંગ ફ્રી કરશે?

=> ભૂતકાળમાં મેયર નેહલ શુક્લે પે એન્ડ પાર્કિંગ મફત થવાની વાત કરી હતી

=> નેહલ શુક્લ (મેયર) VS મકબૂલ દાઉદાણી (કોંગ્રેસ કોર્પોરેટર)

=> જો નિયમ વિરૂદ્ધ ચાર્જ વસૂલવાનું ધ્યાન પર આવશે તો કાર્યવાહી થશે

મેયર ડો. નેહલ શુક્લે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં જે કોઈપણ સ્થળોએ પે-એન્ડ-પાર્કિંગના કોન્ટ્રાક્ટની મુદત સત્તાવાર રીતે પૂરી થઈ ગઈ છે, ત્યાં કોઈ પણ વ્યક્તિ કે એજન્સી નાણાં વસૂલી શકે નહીં. જો આવા કોઈ પણ સ્થળે હજુ પણ જબરદસ્તી કે ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવામાં આવતા હોવાની ફરિયાદ મળશે, તો તેવા તત્વોને ત્યાંથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવશે. આટલું જ નહીં, મુદત પૂરી થયા પછી પણ ઉઘરાણું ચાલુ રાખનારી એજન્સીઓની સામે તપાસ કરીને તેમને ભવિષ્ય માટે ‘બ્લેકલિસ્ટ’ કરવાની કડક કાયદાકીય પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પે એન્ડ પાર્કિંગમાં થયેલા દબાણો સહિતની બાબતે સંબંધિત અધિકારીઓને પણ તુરંત જ એક્શન લેવા માટે મેં સ્પષ્ટ સૂચના આપી દીધી છે. મીડિયા કે જનતા દ્વારા કોઈ પણ ચોક્કસ સ્થળ કે ઘટના અંગેની લેખિત કે મૌખિક ફરિયાદ અમારા ધ્યાને મૂકવામાં આવશે, તો તેના પર તુરંત જ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ પે એન્ડ પાર્કિંગ જનતા માટે ફ્રી કરવાનાં સંકેતો આપતા તેમણે જણાવ્યું હતું કે, મારી કહેલી વાત મને યાદ છે. તેમજ જનતાના હિતને ધ્યાનમાં રાખીને જ આગામી તમામ નિર્ણયો લેવામાં આવશે.

માર્ચમાં કોન્ટ્રાક્ટ પૂરા થઈ ગયા હોવા છતાં ઉઘરાણા થતા હોવાનો વિપક્ષનો આક્ષેપ

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ શહેરમાં જનતાને લૂંટવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો કોંગ્રેસના કોર્પોરેટર મકબૂલ દાઉદાણી દ્વારા કરવામાં આવ્યા છે. શહેરમાં માર્ચ મહિનામાં પે-એન્ડ-પાર્કિંગના કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયા હોવા છતાં પણ હજુ સુધી લોકો પાસેથી ગેરકાયદેસર રીતે ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. ઘણી જગ્યાઓ એવી છે જ્યાં લોકો માત્ર ૨ થી ૫ મિનિટ માટે ખરીદી કરવા ઊભા રહે છે, તેમની પાસેથી પણ તુરંત જ પાર્કિંગ ચાર્જ વસૂલી લેવામાં આવે છે. આ ઉપરાંત, સિવિલ હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળોએ જ્યાં સામાન્ય અને ગરીબ વર્ગના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, ત્યાં પે-એન્ડ-પાર્કિંગના નામે વસૂલાત કરીને ગરીબ જનતાને લૂંટવાનું કામ ચાલી રહ્યું છે. વર્તમાન મેયર નેહલ શુક્લાએ અગાઉ એવું નિવેદન આપ્યું હતું કે શહેરમાં પે-એન્ડ-પાર્કિંગ બંધ થવું જોઈએ અને તેના બદલામાં જે કોઈ ચાર્જ ચૂકવવાનો થશે તે તેઓ પોતે ચૂકવી દેશે. હવે જ્યારે તેઓ પોતે મેયર બની ચૂક્યા છે, ત્યારે વિપક્ષ તરીકે હું તેમને પૂછવા માંગું છું કે તેઓ આ બાબતે હવે શું નિર્ણય લેશે? ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં પાર્કિંગની સમસ્યા ખૂબ વિકરાળ બની હતી. જેને લઈને અગાઉ પે એન્ડ પાર્કિંગ સ્કીમ શરૂ કરવામાં આવી હતી.