મેયર કોણ? 14 મેના સસ્પેન્ડનો અંત ?
- ગુજરાતભરમાં 123 પદો માટે નિર્ણાયક ચર્ચાઓ થઈ
- પદોની પસંદગીમાં સંગઠન પ્રત્યેની વફાદારી કાર્યક્ષમતા, સ્થાનિક સમીકરણો અને જીતની ક્ષમતા જેવા માપદંડોને પ્રાથમિકતા આપવામાં આવશે
- PM મોદી આવતા હોવાથી પદોની જાહેરાત પાછી ઠેલાઈ
- 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ ``ટકોરા'' જેવા નામો મૂકવામાં આવશે
સિટી ન્યૂઝ@ગાંધીનગર : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ ચૂંટાયેલી પાંખના વડાઓની પસંદગી માટે શરૂ થયેલી આ બેઠકમાં ત્રણ દિવસ સુધી સતત મંથન પ્રક્રિયા ચાલશે.પાર્ટી દ્વારા સુચારુ સંકલન અને અંતિમ નિર્ણય પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે તમામ પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો સાથે જિલ્લા અને શહેર પ્રમુખોને પણ બેઠકમાં હાજર રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે.
ગઈકાલે બેઠકના પ્રથમ દિવસે તાલુકા પંચાયતના કુલ 230 પ્રમુખોના નામ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ જિલ્લાઓમાંથી મળેલ ફીડબેક અને સંગઠનના સૂચનોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી માટે ગહન વિચારણા કરવામાં આવી હતી.
આજે બીજા દિવસે બેઠક વધુ મહત્વપૂર્ણ બનશે, જેમાં 33 જિલ્લા પંચાયત પ્રમુખ, 15 મહાનગરપાલિકાના મેયર,76 નગરપાલિકા પ્રમુખ મળીને કુલ 124 પદો માટે ચર્ચા અને નામોને અંતિમ સ્વરૂપ આપવા મથામણ ચાલી રહી છે.સૂત્રો મુજબ, ઉમેદવારોની પસંદગીમાં સંગઠન પ્રત્યેની વફાદારી, કાર્યક્ષમતા, સ્થાનિક સમીકરણો અને જીતની ક્ષમતા જેવા માપદંડોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે નગરપાલિકા અને તાલુકા પંચાયત પ્રમુખોના નામોની સત્તાવાર જાહેરાત જિલ્લા સ્તરે કરવામાં આવશે, જ્યારે મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના મુખ્ય પદો અંગેનો નિર્ણય રાજ્ય સ્તરે જાહેર થવાની સંભાવના છે.
આ મેરેથોન બેઠક બાદ આગામી સમયમાં રાજ્યના સ્થાનિક શાસનમાં ભાજપની નવી ટીમનો ચહેરો સ્પષ્ટ થશે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.