મોચી સમાજ દ્વારા પિતૃ મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન
લાલ ભવન ખાતે 7 જૂનથી 14 જૂન સુધી શ્રીમદ્ ભાગવત મહા કથા યોજાશે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મોચી સમાજના આંગણે પ્રથમવાર શ્રી મોચી જ્ઞાતિ સેવા ટ્રસ્ટ અને વિવિધ સહયોગી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સમસ્ત મોચી જ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે ભવ્ય શ્રીમદ્ ભાગવત મહા કથા - જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. લાલ ભવન ખાતે આગામી ૭ જૂન ૨૦૨૬ થી ૧૪ જૂન ૨૦૨૬ સુધી આ ધાર્મિક મહોત્સવ યોજાશે, જેમાં દરરોજ બપોરે ૪ થી ૭ કલાક દરમિયાન કથાનું રસપાન કરાવવામાં આવશે. આ કથામાં દૂરથી આવતા સિનિયર સિટીઝનો માટે સંસ્થા દ્વારા ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. લાલ ભવનથી દૂર રહેતા ભાવિક સિનિયર સિટીઝનો માટે કથાના ૭ દિવસ દરમિયાન રહેવા ઉપરાંત સવારે ચા-કોફી-નાસ્તો અને બપોરે-સાંજે બંને સમયના ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિશુલ્ક સેવાનો લાભ લેવા ઈચ્છુક સિનિયર સિટીઝનોએ સુગમ વ્યવસ્થા અર્થે પોતાના નામ હર્ષદ મકવાણા (મો. ૯૪૨૮૭ ૯૨૦૨૯) ને તાકીદે નોંધાવી દેવા જણાવાયું છે. અન્ય કોઈ પણ માહિતી માટે કમલેશ ચાવડા (મો. ૯૭૨૪૪ ૫૯૮૪૨) નો સંપર્ક કરી શકાશે.
કથાનો મંગલ પ્રારંભ ૭ જૂન ૨૦૨૬ ના રોજ સાંજે ૫ કલાકે રામદેવપીર મંદિરેથી લાલ ભવન સુધી નીકળનારી ભવ્ય પોથી યાત્રા સાથે થશે. ૭ દિવસ ચાલનારી આ કથા દરમિયાન કપિલ જન્મ, સતી અનસૂયા પ્રસંગ, નૃસિંહ જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, વામન જન્મ, રૂક્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષ અને દશાંશ યજ્ઞ સહિતના શુભ પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવશે. આ પુણ્યશાળી જ્ઞાન યજ્ઞમાં કથા શ્રવણનો લાભ લેવા માટે પ્રમુખ વિપુલ વાઢિયા, કમલેશ ચાવડા અને ટ્રસ્ટી ટીમ દ્વારા સમસ્ત મોચી સમાજને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.