Loading Please Wait !!!
મોરબી સબ જેલના શૌચાલયમાંથી છુપાવેલો ચોથો મોબાઈલ ઝડપાયો

=> અગાઉ મળેલા ત્રણ મોબાઈલની તપાસ ઠેરની ઠેર છતાં વધુ 1 ફોન મળ્યો
=> વારંવાર મોબાઈલ મળતા જેલ તંત્રની મિલીભગત અને સુરક્ષાની પોલ ખુલી

સિટી ન્યૂઝ@રાજકોટ


વિવાદોમાં રહેતી મોરબી સબ જેલની સુરક્ષા વ્યવસ્થા ફરી રામ ભરોસે સાબિત થઈ છે. અમદાવાદ જડતી સ્ક્વોડના ઓચિંતા ચેકિંગમાં શૌચાલયની કુંડીમાંથી વધુ 1 મોબાઈલ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. છેલ્લા થોડા મહિનાઓમાં જેલમાંથી આ 4 થો મોબાઈલ મળવા છતાં જેલ પ્રશાસન ઘોર નિદ્રામાં છે.

અમદાવાદ જડતી સ્ક્વોડના જેલર દેવશી કરંગીયાની ટીમે સવારે 10:40 થી 12:30 સુધી જેલમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન સર્કલ 1 ની બેરેક 1 ના શૌચાલયની કુંડીમાંથી કેચાડા કંપનીનો 2 સીમકાર્ડવાળો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ અંગે સત્તાધીશો કે કેદીઓ પાસેથી કોઈ સંતોષકારક ખુલાસો મળ્યો ન હતો.

અગાઉ જડતી સ્ક્વોડે દરોડો પાડીને જેલમાંથી 2 મોબાઈલ અને બહારથી ફેંકાયેલા પોટલામાંથી 1 મોબાઈલ ઝડપ્યો હતો. ભૂતકાળમાં 3 મોબાઈલ મળવા છતાં, તે કોના હતા અને કયા ગુનાહિત કાવતરા માટે વપરાતા હતા, તેની તપાસ જેલ તંત્રે ઠેરની ઠેર રાખીને મામલો રફેદફે કર્યાના ગંભીર આક્ષેપો છે.

વારંવાર બનતી આ ઘટનાઓએ લોખંડી ચેકિંગના દેખાડાની પોલ ખોલી નાખી છે. જેલની અંદર ફોન પહોંચાડવા પાછળ કોની રહેમનજર છે? અગાઉના કેસોની જેમ આ 4 થા મોબાઈલના કેસમાં પણ સત્ય બહાર આવશે કે ભીનું સંકેલી લેવાશે તે મોટો સવાલ છે.
આ ઘટના અંગે જેલર દેવશી કરંગીયાની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ PSI એચ.આર. જાડેજાને સોંપી છે. બહાર લોખંડી પહેરાના દાવા વચ્ચે શૌચાલયમાંથી ફોન મળવો એ જેલની અંદરથી સચવાતા ગુનાહિત નેટવર્કની સ્પષ્ટ ઝાંખી કરાવે છે.

=> રાજકોટ જાગનાથ પ્લોટમાં બે ભાઈઓ પર પાઇપથી હુમલો કરી કારમાં તોડફોડ

શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં બે ભાઈઓ પર લોખંડના પાઇપ વડે હુમલો કરી કારમાં તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે. ગત ૮ તારીખના આ બનાવ અંગે ૧૫ દિવસ બાદ ૪ શખ્સો સામે પ્રદ્યુમન નગર (પ્ર.નગર) પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આકાશવાણી ચોકમાં રહેતા મિલન જોગેલા (ઉ.વ. ૩૧)એ જાગનાથ પ્લોટના ગોપાલ બોરાણા, સુનિલ બોરાણા, અંકિત બોરાણા અને એક અજાણ્યા શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ૮ તારીખે રાત્રે મિલનના ભાભીએ તેને જગાડીને કહ્યું કે, અંકિત અને અન્ય શખ્સો તેના મોટા ભાઈ મનીષને પોતાની સાથે લઈ ગયા છે. આ સાંભળીને મિલન તેના મિત્રો આકાશ અને રાહુલ સાથે એકલવ્ય હોલ સામે આવેલા કિશનના ઘરે પહોંચ્યો હતો. ત્યાં મનીષ હાજર નહોતો, પરંતુ ગોપાલ, સુનિલ, અંકિત અને એક અજાણ્યો શખ્સ હાજર હતા. અંકિતે મિલનને ધમકી આપીને હુમલાનો પ્રયાસ કર્યો. તે સમયે મનીષ પોતાની આઇ-૧૦ (i10) કાર લઈને ત્યાં પહોંચ્યો.

કારની સ્પીડ વધુ હોવાથી તે સુનિલને અથડાઈ. મનીષ કારમાંથી નીચે ઉતરતા જ ચારેય શખ્સોએ લોખંડના પાઇપથી હુમલો કર્યો. મિલન અને મનીષ બંનેને માથા અને મોઢાના ભાગે પાઇપ વાગતા લોહી નીકળવા લાગ્યું હતું. બચાવમાં મનીષે એક શખ્સ પાસેથી પાઇપ આંચકી લીધો હતો. ઉશ્કેરાયેલા હુમલાખોરોએ મનીષની કારમાં તોડફોડ શરૂ કરી. મોકો મળતા બંને ભાઈઓ મોટરસાયકલ પર ત્યાંથી ભાગી છૂટ્યા, જ્યારે તેમની કાર ત્યાં જ પડી રહી હતી. હુમલાખોરોએ મિલનના મિત્રો રાહુલ અને આકાશને પકડી લીધા હતા. પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.