પ્રેમ પ્રકરણમાં લોહિયાળ વળાંક : માતાને કાર ચડાવી હત્યા કરી પુત્રનું અપહરણ
સિટી ન્યૂઝ@ધર્મેશ મહેતા-રાજુલા : અમરેલીના રાજુલા પંથકમાં પ્રેમ પ્રકરણમાં એક અત્યંત કરુણ ધટના બની હતી. રાજુલા તાલુકાના નિંગાળા-૧ ગામ પાસે નેશનલ હાઇવે પર ફિલ્મી ઢબે યુવકનુ અપહરણ અને હત્યાની ધટના પ્રકાશમાં આવી છે. પ્રેમ સંબંધને લઇને ખાર રાખીને યુવકનું નવ શખ્સોએ અપહરણ કર્યું હતું. અને આ દરમિયાન વચ્ચે પડેલા યુવકની નિર્દોષ માતા પર કાર ચડાવી દઈ તેમની ક્રૂર હત્યાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી ૩ મહિલા સહિત ૭ આરોપીઓને દબોચી લીધા છે. આ બનાવ અંગે રાજુલાના નિંગાળા-૧ ગામના ભાવેશ ભગવાનભાઇ ભીલ ઉ.વ.૨૫ દ્વારા યોગેશભાઇ બાબુભાઇ મકવાણા,રોહિત બટુકભાઇ મકવાણા, મહેશ ભાયાભાઇ સોલંકી, જ્યોતિબેન બાબુભાઇ મકવાણા, કાજલબેન બટુકભાઇ મકવાણા, જાનુબેન મકવાણા, હિતેશ બટુકભાઇ મકવાણા, બટુકભાઇ ડાયાભાઇ મકવાણા તથા હિતેશના કાકા કમલેશભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલ વિગતો મુજબ ભાવેશ ભીલને પોતાની પત્નીની માસીની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધ યુવતીના પરિવારજનોને મંજૂર ન હતો. અને તે વાતનું યુવતીના પરિવારજનોને મનદુખ હતું. ગતરોજ કૈલાસ તેના ઘરેથી રાજુલા આવવાં માટે નિકળી હતી. ભાવેશ અને તેની માતા જીતુબેન ભીલ રાજુલા તરફ જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે પર પીપાવાવ પોર્ટ ચોકડી પાસે બાલક્રિષ્ના પેટ્રોલ પંપ પાસે શખ્સોએ ફોર વ્હીલર કારમાં આવી ભાવેશનું અપહરણ કર્યું હતું. પુત્રને બચાવવા વચ્ચે પડેલા ૫૦ વર્ષીય માતા જીતુબેન ભીલ પર શખ્સોએ કાર માથે ચડાવી દીધી હતી.