સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને વેગ આપવા SKCCI-AACCI વચ્ચે MOU
-
» ’વોકલ ફોર લોકલ’ થકી સૌરાષ્ટ્રની પ્રોડક્ટ્સને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો હેતુ
-
» સ્થાનિક ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય બજાર અને નિકાસ માટે નવી તકો મળશે
સિટી ન્યૂઝ@રાજકોટ સૌરાષ્ટ્ર અને કચ્છના નાના-મોટા ઉદ્યોગકારો માટે અત્યંત આનંદ અને ગર્વના સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક મંચ પૂરો પાડવા અને આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન આપવાના હેતુથી સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SKCCI) અને એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (AACCI) વચ્ચે સંયુક્ત રીતે કામ કરવા માટે એક મહત્વપૂર્ણ MOU સાઈન કરવામાં આવ્યો છે. તાજેતરમાં રાજકોટમાં પ્રતિષ્ઠિત ઉદ્યોગકારોની હાજરીમાં આ ભવ્ય સમારોહ યોજાયો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત વિશ્વના અનેક દેશોમાં કાર્યરત સંસ્થા AACCI ના ડાયરેક્ટર જનરલ એમ. જે. પૂરીએ જણાવ્યું હતું કે, તેઓ SKCCI ની કામગીરી અને પદ્ધતિથી અત્યંત પ્રભાવિત થયા છે. સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો પાસે જબરદસ્ત સ્કીલ અને કૌશલ્ય છે. આ MOU થકી બંને સંસ્થાઓના ગઠબંધનથી વિકાસની ઉજળી તકો પ્રાપ્ત થશે. ભારતની પ્રોડક્ટ્સ વિશ્વ લેવલે પ્રસિદ્ધ થાય અને દેશની ઈકોનોમી વધુ મજબૂત બને તે દિશામાં AACCI સંપૂર્ણ સહયોગ આપશે.
AACCI ના એડવાઈઝરી બોર્ડના સભ્ય પલ્લવી આચાર્યએ રાજકોટની દીકરી હોવાનું ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું કે, વતન પ્રત્યે ઋણ ચૂકવવાની તક મળી છે. સ્થાનિક ઉદ્યોગકારોના સ્કિલને વિશ્વ લેવલે લઈ જવાની આ સુવર્ણ તક છે.
SKCCI ના પ્રમુખ નલિન ઝવેરીએ જણાવ્યું હતું કે, આ MOU સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો માટે સોનાનો સૂરજ સમાન છે. જેમ ચીન, જાપાન, જર્મની અને અમેરિકા પ્રગતિ કરી રહ્યા છે, તેમ ભારતના વિકાસમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગો મોટો ફાળો આપશે. ‘વોકલ ફોર લોકલ’ ના મંત્ર સાથે સ્થાનિક પ્રોડક્ટ્સની નિકાસ વધારવાથી દેશમાં વિદેશી હૂંડિયામણ આવશે, નાના-મોટા ઉદ્યોગોનો વિકાસ થશે અને રોજગારીની નવી તકો ઊભી થશે.
સમારોહમાં મહામંત્રી સંજય લધિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને સંચાલન નામદેવ પંડ્યાએ સંભાળ્યું હતું. આભારવિધિ આર. જે. અજયસિંહ ચુડાસમાએ કરી હતી. કાર્યક્રમ બાદ સુપ્રસિદ્ધ ગાયિકા વિધિ ઉપાધ્યાય અને વિજય રાયચુરા દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું. આ આખા કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ નલિન ઝવેરી, મહામંત્રી સંજય લધિયા, રાજેશ રાણપરિયા, જિતેન ઘેટિયા, આશિષ પટેલ, નલિન આસોડિયા, મહેશ સોનપાલ, જે. એન. પરમાર, ધવલ મહેતા, બી. કે. શાહ, પ્રકાશ ઠક્કર, રિતેશ પાલા અને સુરેશ પટેલ સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.