Loading Please Wait !!!
સૂતેલી માતાને ગળેટૂંપો આપી દીકરાએ ગળાફાંસો ખાધો

  • સૂરતની ચોંકાવનારી ઘટના
  • સૂરતમાં શેરબજારમાં 40 લાખનું દેવું થતા પાટીદાર યુવક હેવાન બન્યો

સિટી ન્યૂઝ@સૂરત

સૂરતમાં વરાછાના અશ્વિનીકુમારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એ.કે. રોડ પર આવેલી રૂપમ સોસાયટીમાં રહેતા ૩૬ વર્ષીય પાટીદાર યુવકે શેરબજારમાં અંદાજે રૂ. ૪૦થી ૫૦ લાખનું જંગી દેવું થઈ જતાં પોતાનાં ૬૩ વર્ષીય માતાની ગળે ટૂંપો આપી દઈ નિષ્ઠુરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. માતાનો જીવ લીધા બાદ યુવકે પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે જતીન સોનાણી મૂળ તેના નાના કાકા ત્રિભુવનભાઈનો પુત્ર હતો. જ્યારે તે માત્ર ૬ મહિનાનો હતો ત્યારે જતીનના મોટા પપ્પા જગદીશભાઈ અને તેમના પત્ની ભાનુબેને તેને દત્તક લીધો હતો. વર્ષ ૨૦૧૪માં પિતાનું અવસાન બાદ પણ માતા-પુત્ર સાથે હસી-ખુશીથી રહેતા હતા. ગુરુવારે(૩૦ જુલાઈ) સાંજે પણ બંને પાડોશીઓ સાથે હસી-મજાક કરીને રૂમમાં ગયા હતા, પરંતુ કોને ખબર હતી કે જે પુત્રને બાળપણથી પ્રેમથી ઉછેર્યો હતો, એ જ પુત્ર દેવાના બોજ તળે કાલ બનીને માતાનો ભોગ લેશે. આ ઘટનાની જાણ થતાં જ અશ્વિનીકુમાર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને ઘરના રૂમમાંથી એક પાનાની હાથે લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી. આ

સુસાઈડ નોટમાં આર્થિક સંકટ, દેવાની લેવડ-દેવડ અને પરિવારની માફીનો ઉલ્લેખ કરાયો છે. પોલીસે સુસાઈડ નોટ કબજે કરીને ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

મૃતકની ઓળખ અંગે મળતી માહિતી અનુસાર, આ પરિવાર મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મહેસાણા ગામનો વતની હતો. ૩૬ વર્ષીય જતીન જગદીશ સોનાણી પોતાની ૬૩ વર્ષીય માતા ભાનુબેન સાથે હાલ વરાછા એલ.એચ. રોડ સ્થિત રૂપમ સોસાયટી વિભાગ-૧ના પહેલા માળે ભાડાના મકાનમાં રહેતો હતો. પિતાના અવસાન બાદ માતા-પુત્ર બંને સાથે રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

જતીનના મૂળભાન પર નજર કરીએ તો તે અગાઉ એક સ્ટેશનરીની દુકાનમાં સામાન્ય નોકરી કરતો હતો અને સાથે-સાથે શેરબજારનું મોટું-મોટું કામકાજ સંભાળતો હતો. જાતે કમાઈને આગળ વધવાની ઘેલછામાં તેણે અઢી-ત્રણ મહિના પહેલાં જ સ્ટેશનરીની નોકરી છોડી દીધી હતી અને સુરતમાં મીની બજાર જાતે શેરબજારની પોતાનાં સ્વતંત્ર ઓફિસ શરૂ કરી હતી. શેરબજારમાં નસીબ અજમાવવા ગયેલા જતીનને ધાર્યા મુજબ સફળતા ન મળી અને તેના દાવ ઉંધા પડ્યા હતા. ટૂંકા સમયમાં જ તેને શેરબજારમાં ભારે નાણાકીય નુકસાન વેઠવું પડ્યું હતું. જોતજોતામાં તેના માથે આશરે રૂ. ૪૦થી ૫૦ લાખનું જંગી દેવું થઈ ગયું હતું.