નિવૃત્ત સરકારી કર્મીના મકાનમાંથી 3.85 લાખની ચોરી
કોટડાસાંગાણીમાં પોલીસે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીમાં જૂની કોર્ટ પાસે રહેતા નિવૃત્ત સરકારી કર્મચારીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૩.૮૫ લાખથી વધુના દાગીના, રોકડ રકમ અને અન્ય સામાનની ચોરી કરતાં પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવમાં ફરિયાદી ઉપેન્દ્રભાઈ ઠાકર ઉ.વ.૬૩એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ મામલતદાર કચેરી કોટડા સાંગાણીમાં પ્યૂન કમ ડ્રાઇવર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા છે. તેમણે પોલીસને જણાવ્યું હતું કે ગત ૨૩ મેના રોજ તેઓ પત્ની સાથે રાજકોટમાં રહેતી ચારેય દીકરીઓ પાસે રોકાવા ગયા હતા, ત્યારબાદ ૨ જૂને બપોરે ઘરે પરત ફરતાં મકાનના મુખ્ય દરવાજા અને અંદરના રૂમોના તાળાં તૂટેલા જોવા મળ્યા હતા. કબાટમાંથી સોનાની વીંટી, હાર-બૂટી અને નાકના દાણા સહિત આશરે રૂ.૨.૭૦ લાખના સોનાના દાગીના તથા આશરે ૪૦૦ ગ્રામ ચાંદીના ઘરેણાં અને ૪૫ હજારની રોકડ ગાયબ હતી પોલીસે ગુનો નોંધી ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.