Loading Please Wait !!!
તેલના ભાવમાં આગ

સિટી ન્યૂઝ@રાજકોટ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે સામાન્ય માણસની થાળી પર પડવા લાગી છે. પેટ્રોલિયમ પેદાશો બાદ હવે ખાદ્યતેલો પણ સળગવા લાગ્યા છે. ભુજ તેલ બજારમાં હાલ ખાદ્યતેલોમાં સિંગતેલના ડબ્બાનો ભાવ વધીને રૂ.૨૮૫૦ના સ્તરે પહોંચી ગયો છે.

વૈશ્વિક બજારમાં સપ્લાય ખોરવાઈ જતાં આગામી દિવસોમાં તેલની ભારે અછત સર્જાવાની આશંકા વચ્ચે હજુ પણ ભાવો વધુ ઊંચકાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે, જેને પગલે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોમાં ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ છે.

માર્કેટમાં કપાસિયા તેલનો ડબ્બો રૂ.૨૧૨૦ થી રૂ.૨૧૬૦ ની સપાટીએ પહોંચ્યો છે. જ્યારે પામોલીન તેલમાં પણ સતત તેજીનો ટ્રેન્ડ જારી રહેતા ડબ્બાનો ભાવ રૂ.૨૨૭૦ થી ૨૩૨૦ ના સ્તરે પહોંચી ગયો છે. આમ, તમામ તેલો મોંઘા થતાં સામાન્ય જનતા માટે તેલ જોવું કે તેલની ધાર જોવી જેવી સ્થિતિ સર્જાઈ છે.

ખાદ્યતેલોમાં આવેલી આ તેજી પાછળ વિશ્વ બજાર જવાબદાર હોવાનું મનાય છે. ઇરાન યુદ્ધના કારણે અત્યારે હોર્મુઝ સ્ટ્રેટ ખોલ-બંધ છે. અત્યાર સુધી ભારતમાં પર્યાપ્ત સ્ટોક હોવાના કારણે સ્થાનિક બજાર પર કોઈ ખાસ અસર જોવા મળી નહોતી, પરંતુ હવે આયાતી તેલની સામે સ્વદેશી તેલમાં પણ કાચા માલની અછત સ્પષ્ટપણે દેખાવા લાગી છે, જેના કારણે તેજીનો પારો સતત ઉપર ચડી રહ્યો છે.