મહાપાલિકા ડાઉન ડાઉન ડાઉન
- જન્મ-મરણ શાખાનું સર્વર ઠપ્પ થતા અરજદારોનો હોબાળો
- નાના બાળકો સાથે દાખલા માટે આવેલા લોકો પરેશાન
- રોજની રામાયણ કલાકો લાઈનમાં ઉભા રહેવાનું તોય ધક્કો તો ખરો જ
- સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલા જન્મ-મરણ વિભાગમાં છેલ્લા ઘણા દિવસોથી અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર હસ્તકના ઓનલાઈન CRS પોર્ટલમાં સર્વરની ગંભીર ખામી સર્જાતા સમગ્ર કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી તો સર્વર સાવ ડાઉન થઈ જતાં લોકોની મુશ્કેલીઓમાં ઓર વધારો થયો છે. કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવા છતાં કામ ન થતાં અરજદારોનો પિત્તો ગયો હતો અને કચેરીના પટાંગણમાં જ તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરીને 'મેયર હાય હાય' ના નારા લગાવ્યા હતા. જોકે આ અંગેની જાણ થતાં મેયર ડો. નેહલ શુક્લ જાતે દોડી ગયા હતા. અને કેન્દ્ર-રાજ્ય સરકારમાં જાણ કરીને આ સમસ્યા ઝડપથી ઉકેલવાની ખાતરી આપી હતી. પ્રાપ્ત વિગત મુજબ સામાન્ય દિવસોમાં પણ જ્યાં મોટો ઘસારો રહે છે, ત્યાં ટેકનિકલ ખામીને કારણે રોજબરોજ આવતી સેંકડો અરજીનો સમયસર નિકાલ થઈ શકતો નથી. પરિણામે કચેરીના ટેબલો પર ફાઈલોના મોટા થપ્પા લાગી ગયા છે. વહીવટી તંત્રની આ અત્યંત ધીમી અને અણઘડ કામગીરીને લઈ દૂર-દૂરથી આવતા અરજદારો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
- મેયરે અડધો કલાક બેસી સમસ્યા જાણી
મેયરે પોતે ત્યાં અડધો કલાક બેસીને સમગ્ર વ્યવસ્થાની ઝીણવટભરી સમજ મેળવી હતી અને તાત્કાલિક ધોરણે સોલ્યુશન લાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. દરમ્યાન સિવિક સેન્ટર ખાતે સ્ટાફની પણ ભારે અછત હોવાનું સામે આવતા મેયરે મોટી રાહત આપતા ત્વરિત નિર્ણય લીધો હતો અને પોતાના જ મેયર ઓફિસના ૩ સ્ટાફ મેમ્બર્સને અરજદારોની વહારે સિવિક સેન્ટર ખાતે ડેપ્યુટ કરી દીધા હતા. મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે અને લોકોને ધક્કા ન ખાવા પડે તે માટે એક ખાસ નવતર વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત આગામી ૧૦ દિવસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અરજદારોને ટોકન ફાળવી દેવામાં આવશે. એક અલગ કાગળ પર લોકોએ પોતાના જ હસ્તાક્ષરમાં પોતાનું નામ, મોબાઈલ નંબર, સરનામું અને કયા પ્રકારનું કામ છે તેની વિગતો લખીને આપવાની રહેશે. આ ડેટાના આધારે જો ભવિષ્યમાં સર્વર ચાલુ કે બંધ થવાના સમયમાં કોઈ ફેરફાર થાય, તો મનપા તંત્ર સામેથી જ લોકોને ફોન કરીને જાણ કરશે કે તેમણે કયા દિવસે અને કયા સમયે પોતાના દાખલા લેવા આવવાનું રહેશે.