Loading Please Wait !!!
પાલીતાણામાં ગુરુવંદના મહોત્સવે ત્રણ શિક્ષક સંઘોની ઐતિહાસિક એકતા દર્શાવી

  • 200થી વધુ શિક્ષકોનું સન્માન; શત્રુંજય યુવક મંડળના ઉપક્રમે ગિરિરાજની ગોદમાં પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો

ગૌતમ ગોસ્વામી સિટી ન્યૂઝ@પાલીતાણા

પાલીતાણાની પવિત્ર તીર્થભૂમિ અને ગિરિરાજ શત્રુંજયની ગોદમાં શત્રુંજય યુવક મંડળના નેજા હેઠળ ગુરુવંદના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વિશેષતા એ રહી કે પાલીતાણા તાલુકાના શિક્ષક સંઘ, શૈક્ષિક સંઘ અને મુખ્ય શિક્ષક સંઘ પ્રથમ વખત એક મંચ પર આવી શિક્ષકોની એકતા અને સમર્પણનું ઐતિહાસિક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં તાલુકાના 200થી વધુ શિક્ષકોનું પુષ્પગુચ્છ અને સન્માનપત્ર અર્પણ કરીને ગુરુવંદના કરવામાં આવી હતી. આ પ્રસંગે 'બાળ દેવો ભવ'નો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો. બાદમાં તમામ શિક્ષકો માટે સાત્વિક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્ય તરીકે વરણી પામેલા ભગવાનભાઈ મેરનું ત્રણેય શિક્ષક સંઘોના સંયુક્ત ઉપક્રમે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આચાર્ય વિજય પ્રબોધચંદ્રસૂરિજી મહારાજ, આચાર્ય વિજય શ્રમણચંદ્રસૂરિજી મહારાજ અને આચાર્ય વિજય શ્રુતચંદ્રસૂરિજી મહારાજના પ્રેરણાદાયી આશીર્વચનોએ ઉપસ્થિતોને પ્રભાવિત કર્યા હતા. કાર્યક્રમમાં પાલીતાણા ડી.વાય.એસ.પી. મિહિર અધેરા, બી.આર.સી. શિક્ષણાધિકારી ગોપાલભાઈ અધેરા, બી.આર.સી. ધનશ્યામભાઈ ગોભ સહિત શિક્ષણજગતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શત્રુંજય યુવક મંડળ દ્વારા પાલીતાણા અને આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની પણ માહિતી આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષકોના સહયોગથી કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો હતો.