રાજકોટ પત્રકાર સુરક્ષા સમિતિના પ્રમુખ તરીકે મેરુભા મોચાની વરણી
» નિર્ભીક પત્રકારત્વ કરતા પત્રકારોને રક્ષણ અપાવવા સ્થાનિક તંત્ર સાથે સાધશે સંકલન
સિટી ન્યૂઝ@રાજકોટ
પત્રકારોના હિત, સુરક્ષા અને તેમના અધિકારો માટે સતત કાર્યરત દેશવ્યાપી સંગઠન ‘અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ’ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વની નિમણૂક કરવામાં આવી છે. સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડીયા દ્વારા રાજકોટ શહેર પ્રમુખ તરીકે મેરુભા દાદભા મોચાની સત્તાવાર વરણી કરવામાં આવી છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડીયાએ મેરુભા મોચાને રૂબરૂ નિમણૂક પત્ર અર્પણ કરી આ નવી જવાબદારીઓ સોંપી હતી. આ પ્રસંગે તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મેરુભા મોચાના બહોળા અનુભવ અને કુશળ નેતૃત્વ હેઠળ રાજકોટ શહેરમાં પત્રકાર સુરક્ષા સમિતિનું માળખું વધુ સુદ્રઢ બનશે અને પત્રકારોના હિતોનું રક્ષણ થશે.
રાજકોટ શહેર પ્રમુખનો ચાર્જ સંભાળતા મેરુભા મોચાએ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, પત્રકારો પર થતા હુમલાઓ અને તેમની પર થતા ખોટા કેસો સામે સંગઠન કડક અવાજ ઉઠાવશે. સ્થાનિક પત્રકારોના પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે વહીવટી તંત્ર સાથે યોગ્ય સંકલન સાધવામાં આવશે. નિષ્પક્ષ અને નિર્ભીક પત્રકારત્વ કરતા પત્રકારોને કવરેજ દરમિયાન પૂરતું રક્ષણ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવશે.
રાજકોટ શહેર પ્રમુખ તરીકે મેરુભા મોચાની વરણી થવાથી સ્થાનિક પત્રકાર આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સમિતિના અન્ય હોદ્દેદારો, પત્રકાર મિત્રો અને શુભેચ્છકો દ્વારા તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ રૂબરૂ મળીને નવી જવાબદારી માટે પુષ્કળ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.