રાજકોટ સિવિલમાં પેટ સ્કેન મશીન ફાળવવા આરોગ્ય મંત્રીને રજૂઆત
» રોગી કલ્યાણ સમિતિના સભ્ય રાજેશ ચાવડાએ મંત્રી પ્રફુલ પાનસેરીયાને પત્ર લખ્યો
» ગરીબ દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલનો મોંઘો ખર્ચ અસહ્ય બનતો હોવાની રજૂઆત
સિટી ન્યૂઝ@રાજકોટ
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં કેન્સર જેવા ગંભીર રોગોના સચોટ નિદાન માટે અત્યંત જરૂરી એવા પેટ સ્કેન (PET Scan) મશીનનો અભાવ છે. આ સુવિધા તાત્કાલિક શરૂ કરવા માટે રોગી કલ્યાણ સમિતિના સભ્ય રાજેશ ચાવડાએ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલ પાનસેરીયાને લેખિત રજૂઆત કરી છે.
રાજેશ ચાવડાએ પત્રમાં જણાવ્યું છે કે, કેન્સર જેવા ગંભીર રોગોમાં શરીરના અંગોની સ્થિતિ, કાર્યપ્રણાલી અને રોગના ફેલાવાની જાણકારી મેળવવા પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી (પેટ સ્કેન) ની જરૂર રહે છે. આ રિપોર્ટ નિદાન અને સમયસર સારવાર માટે ખૂબ જ અગત્યનો છે. પરંતુ રાજકોટ સિવિલ કે કોઈ સેવાભાવી ટ્રસ્ટની હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ નથી. ખાનગી લેબોરેટરીમાં પેટ સ્કેન કરાવવું ખૂબ જ ખર્ચાળ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે તે અસહ્ય બની જાય છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર આરોગ્ય સેવાઓ સુધારવા પ્રયત્નશીલ છે, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી પેટ સ્કેન મશીનની સુવિધા ઊભી કરવા માંગ કરવામાં આવી છે. આ રજૂઆતની નકલ પ્રભારી મંત્રી જીતુ વાઘાણી, સાંસદ પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, આરોગ્ય કમિશનર અને રાજકોટ કલેક્ટરને પણ મોકલવામાં આવી છે.