Loading Please Wait !!!
ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર બંધ કરો: પિપળિયા

પરષોત્તમ પિપળિયા પોલીસ સ્ટેશન પહોંચી કહ્યું દિવ્ય દરબાર બંધ કરો : ચમત્કારનો પર્દાફાશ કરનારને પણ પ્રોટેક્શન આપો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ૭ જૂન દરમિયાન બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો ત્રિદિવસીય કથા અને દિવ્ય દરબારનો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. જૂન ૨૦૨૩ બાદ ફરી ૫ જૂન ૨૦૨૬ ના રોજ બાબા બાગેશ્વર રાજકોટ પધાર્યા છે. એક તરફ ભક્તોમાં ભારે ઉત્સાહ છે, તો બીજી તરફ આ દિવ્ય દરબારમાં થતા કથિત ચમત્કારોનો પર્દાફાશ કરવા પાટીદાર અગ્રણી પરષોત્તમ પિપળિયા મેદાને આવ્યા છે. તેમણે પોલીસ સ્ટેશન પહોંચીને ૨ અરજીઓ કરી છે, જેમાં દિવ્ય દરબાર બંધ કરવા અને પોતે દરબારમાં જાય ત્યારે પોલીસ સુરક્ષા પૂરી પાડવા માંગ કરી છે.

પરષોત્તમ પિપળિયાએ જણાવ્યું કે, ગઈકાલે તેમણે કરેલી અરજીઓના સંદર્ભમાં તેમને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા હાજર રહેવા માટે બોલાવવામાં આવ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેમને હનુમાન કથા સામે કોઈ વાંધો નથી અને કથા ચોક્કસપણે ચાલુ રહેવી જોઈએ. પરંતુ આ કથાના બહાના હેઠળ જે ‘દિવ્ય દરબાર’ યોજવામાં આવે છે અને અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે, તેનો તેઓ સખત વિરોધ કરે છે.

પિપળિયાએ વધુમાં ઉમેર્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિરોધીઓની ચેલેન્જ સ્વીકારીને દરબારમાં આવવા માત્ર મીડિયાના માધ્યમથી જાહેર આમંત્રણ આપ્યું છે. તેમની મુખ્ય માંગણી એ છે કે, જેવી રીતે ધીરેન્દ્ર શાસ્ત્રીને પોલીસ સુરક્ષા આપવામાં આવે છે, તેવી જ રીતે કથિત ચમત્કારોનો પર્દાફાશ કરવા જઈ રહેલા આલોચકોને પણ સુરક્ષા મળવી જોઈએ. આ હેતુથી જ તેમણે પોલીસમાં અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે પિપળિયાએ અગાઉ વર્ષ ૧૯૯૭ ના એક રહસ્યમય અપહરણ કેસનો ઉકેલ લાવી બતાવવા બાબાને ચેલેન્જ આપી હતી.