પૂજા સ્થળ પાસે માંસ અને મટનના ટુકડાં: ભક્તોમાં રોષ
=> એરપોર્ટ રોડ પર પુરુષોત્તમ માસમાં ધાર્મિક લાગણી દુભાવવાનો આક્ષેપ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના એરપોર્ટ રોડ નજીક આવેલા શિવાજી પાર્ક શેરી નંબર-૧૧ નરસિંહ મહેતા ગાર્ડન બંધ શેરીમાં પુરુષોત્તમ માસ દરમિયાન મહિલાઓ જ્યાં વર્ષોથી પૂજા-અર્ચના કરે છે તે સ્થળ નજીક માંસ-મટનના ટુકડા મળી આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. મહિલાઓએ આ ઘટનાને ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. પ્રાપ્ત વિગત અનુસાર, સ્થાનિકોના જણાવ્યા કે, શેરીમાં પુરુષોત્તમ માસ નિમિત્તે મહિલાઓ નિત્યક્રમ મુજબ પૂજા કરવા બેસી હતી ત્યારે એક રખડતું શ્વાન મોંમાં કોઈ માંસનો ટુકડો લઈને નજીકના મકાન તરફ જતું નજરે પડ્યું હતું. આ દરમિયાન સોસાયટીમાં રહેતા વિનયભાઈ દવે શ્વાનની નજીક જઈને તપાસ કરતાં તે મોંમાં માંસ ચાવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. ઘટના અંગે જાણ થતાં પૂજા માટે ભેગી થયેલી મહિલાઓમાં ગભરાટ અને રોષનો માહોલ સર્જાયો હતો.
રહેવાસી આરતીબેન દવે સહિતના મહિલાઓએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૨૭ વર્ષથી આ જ સ્થળે દર વર્ષે પુરુષોત્તમ માસની પૂજા કરે છે. મહિલાઓના જણાવ્યા મુજબ, કોઈએ જાણી જોઈને પૂજામાં વિઘ્ન ઊભું કરવા અને ધાર્મિક લાગણી દુભાવવાના હેતુથી પૂજા સ્થળ નજીક અલગ અલગ બે જગ્યાએ માંસ-મટન નાખ્યું હોવાનું જણાય છે. એક સ્થળે કોથળીમાં ભરેલું માંસ જોવા મળ્યું હતું જ્યારે અન્ય સ્થળે ટુકડા છૂટા પડેલા હાલતમાં નજરે પડ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક આવી આ કૃત્ય કરીને ગયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે સ્થળ પર પહોંચી સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી કરી હતી.