પ્રિ-મોન્સુન તૈયારીમાં નવી ફોર્મ્યુલા કોર્પોરેટરો જાતે કરશે નિરીક્ષણ
=> મેયર એલર્ટ; કોર્પોરેટરોને સીધી જવાબદારી સોંપાઈ
સિટી ન્યૂઝ@રાજકોટ
ચોમાસા નજીક આવતાં રાજકોટ મહાનગરપાલિકા તંત્ર સજ્જ બનવાનું શરૂ કર્યું છે. શહેરમાં દર વર્ષે થતા પાણી ભરાવાના પ્રશ્નને ધ્યાનમાં રાખીને આ વખતે નવી પહેલ કરવામાં આવી છે. મેયર ડો. નેહલ શુક્લાના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ ૧૮ વોર્ડના કોર્પોરેટરો આજે મેદાનમાં ઉતરી પ્રિ-મોન્સુન કામગીરીનું નિરીક્ષણ કરશે. મહાનગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમવાર એવી રીતે તમામ કોર્પોરેટરોને સીધી ફિલ્ડમાં જઈને ચકાસણી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ પોતાના વોર્ડમાં ડ્રેનેજ લાઈન, વોકળા અને સફાઈ કામગીરીની સ્થિતિનું નિરીક્ષણ કરશે અને ક્યાં ખામીઓ છે તેની નોંધ લેશે.
દર વર્ષે ચોમાસા પહેલા તંત્ર દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવે છે કે શહેરમાં પાણી નહીં ભરાય, પરંતુ હકીકતમાં થોડા જ વરસાદમાં રાજકોટના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે. જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વખતે તંત્ર દ્વારા પહેલેથી જ ચકાસણી શરૂ કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે આ નિરીક્ષણ પછી ખામીઓ દૂર થાય છે કે નહીં અને આ ચોમાસામાં રાજકોટ પાણી ભરાવાની સમસ્યાથી કેટલું મુક્ત રહે છે. નાગરિકોમાં પણ આશા છે કે આ પહેલ માત્ર કાગળ પર નહીં રહે, પરંતુ વાસ્તવિક પરિણામો પણ દેખાશે.
રાજકોટના મેયર ડો. નેહલ શુક્લે શહેરના તમામ કોર્પોરેટરોને પોતાના વિસ્તારમાં ચાલી રહેલી પ્રિમોન્સૂન કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કરવા સૂચના આપી છે. કોર્પોરેટરો તેમના વોર્ડમાં પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિસ્તારો, ડ્રેનેજ લાઈનો, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા તેમજ સફાઈ કામગીરીની સમીક્ષા કરશે. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા અંગે મેયર ડો. નેહલ શુક્લે ઉમેર્યું હતું કે, દર વર્ષે કામગીરી તો થતી જ હોય છે, પરંતુ જ્યાં અતિવૃષ્ટિ થાય છે.
કોર્પોરેટરો વોર્ડમાં કઈ કામગીરીની કરશે ચકાસણી
રાજકોટ મનપાના પદાધિકારીઓ પ્રથમ વખત ફિલ્ડમાં ઉતરીને નિરીક્ષણ કરવાના છે. આ અંગે મેયર ડો. નેહલ શુક્લે જણાવ્યું હતું કે, ૧૫ જૂન સુધીમાં પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ કરવા માટે ડેડલાઈન નક્કી કરવામાં આવી છે. આગામી સમયથી ૨૦ મે સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની ખાસ સૂચના આપવામાં આવી છે. તમામ કોર્પોરેટરોને તેમના વોર્ડમાં આવતા હોંકારા (ગટરના પોઈન્ટ) અને નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેવા તેમજ ક્યાંય પણ સુધારા વધારાની જરૂર હોય તો તાત્કાલિક અસરથી પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે.
=> વોર્ડ ઓફિસ બાજુમાં દારૂની કોથળીઓ મળતા હંગામો
શહેરમાં શિસ્ત અને સ્વચ્છતા માટે જવાબદાર મનપા તંત્ર જ હવે સવાલોમાં ઘેરાયું છે. રાજકોટ મહાનગરપાલિકાની એક વોર્ડ ઓફિસની બાજુમાં દારૂની ખાલી કોથળીઓ મળી આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે.
સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ, વોર્ડ ઓફિસની આસપાસ મોટી સંખ્યામાં દારૂની ખાલી કોથળીઓ જોવા મળી છે, જેના કારણે આ શંકા ઊભી થઈ છે કે શું વોર્ડ ઓફિસ નજીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે? વધુમાં, કેટલાક લોકો એ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ સ્થળે જ દારૂ પીવાની પ્રવૃત્તિ થતી હશે?
આ ઘટનાએ મનપા તંત્રની કામગીરી અને દેખરેખ પર પણ પ્રશ્નચિહ્ન મૂકી દીધું છે. ખાસ કરીને ત્યારે, જ્યારે તાજેતરમાં જ મેયર દ્વારા કોર્પોરેટરોને વોર્ડ લેવલ પર નિયમિત ચેકિંગ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે જો ખરેખર નિયમિત ચેકિંગ થઈ રહ્યું હોય, તો આવી સ્થિતિ કેવી રીતે સર્જાઈ? હવે જોવાનું રહ્યું કે આ મામલે તંત્ર કોઈ તપાસ હાથ ધરે છે કે નહીં અને જવાબદાર સામે શું કાર્યવાહી કરવામાં આવે છે.
આ ઘટનાએ એક મહત્વનો સવાલ ઊભો કર્યો છે કે શહેરની વ્યવસ્થા જાળવવા જવાબદાર તંત્ર પોતાના વિસ્તાર પર કેટલી નજર રાખી રહ્યું છે?