Loading Please Wait !!!
રાજકોટમાં 7 જૂને રઘુવંશી ગૌરવ સન્માન સમારોહ

 

સિટી ન્યૂઝ@રાજકોટ

રઘુવંશી યુવા શક્તિ સંઘ અને રઘુવંશી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આગામી ૭ જૂન ૨૦૨૬ ના રોજ સાંજે ૬ વાગ્યે રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટ સ્થિત ‘રાજકોટ એન્જિનિયરિંગ હોલ’ ખાતે ભવ્ય ‘રઘુવંશી ગૌરવ સન્માન સમારોહ’ યોજાશે. સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા વર્ગને રાજકીય અને સરકારી ક્ષેત્રે આગળ વધવા સચોટ માર્ગદર્શન આપવાનો છે. જાગનાથ મહાદેવ મંદિરના મહંત સાધ્વી અરુંધતી દાસજીની ઉપસ્થિતિમાં તેમના હસ્તે મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્વે સાંજે ૫:૩૦ વાગ્યે વિરાણી હાઈસ્કૂલથી રાજકોટ એન્જિનિયરિંગ હોલ સુધી ભવ્ય સ્વાગત રેલી યોજાશે, જેમાં ડી.જે., અશ્વ અને ૫૧ ગાડીઓનો કાફલો સાથે મહાનુભાવોનું અભિવાદન કરાશે.

સમારોહમાં નિવૃત્ત એસ.પી. બી.સી. ઠક્કર, રાજકોટના ડેપ્યુટી મેયર રક્ષા વસાણી, કોર્પોરેટર વર્ષા પાંધી અને નીતા લાલનું બહુમાન કરાશે. આ ઉપરાંત શહેર ભાજપ ઉપપ્રમુખ મેહુલ નથવાણી, યુવા મોરચાના જયભારત ધામેચા, હિરલ કટારીયા અને કિશન ઉનડકટને પણ બિરદાવવામાં આવશે. વર્ષ ૨૦૨૬ માં નવનિયુક્ત PSI યુવક-યુવતીઓનું વિશેષ સન્માન આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે. રાજ્યભરમાંથી રઘુવંશી સમાજના રાજકીય, સામાજિક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા કે.ડી. રઘુવંશી, કુલદીપ રઘુવંશી, પાર્થ જોબનપુત્રા, પ્રતિક રાચ્છ સહિતના હોદ્દેદારો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.