રાજકોટમાં ગેરકાયદેસર ક્રિસ્ટલ નેકસસ બિલ્ડીંગને છાવરતા ભ્રષ્ટ અધિકારીઓ
=> કમિશનરના આદેશ છતાં બિલ્ડીંગ સીલ ન થતાં કોંગ્રેસ આગેવાનો કોર્ટમાં પહોંચ્યા
=> ગરીબોના મકાન તોડતું તંત્ર મોટા માથાઓના ગેરકાયદેસર બાંધકામો બચાવવા હવાતિયાં મારે છે
=> TRP કાંડ છતાં બેપરવાહ તંત્ર, હાઈટ અને ફાયર NOC ના નિયમોનો ભંગ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના ટાઉન પ્લાનિંગ (TP) વિભાગની વધુ એક કાળી કરતૂત અને બેવડી નીતિ સામે આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગના મકાનો પર તાત્કાલિક બુલડોઝર ફેરવી દેતું તંત્ર માધાપર ચોકડી પર આવેલા 'ક્રિસ્ટલ નેકસસ' જેવા મોટા માથાઓના ગેરકાયદેસર કોમર્શિયલ બિલ્ડીંગને બચાવવા આકાશ-પાતાળ એક કરી રહ્યું છે. નિયમોના સરેઆમ ઉલાળિયા અને ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસે હવે કાયદાકીય જંગ છેડ્યો છે.
RMC કમિશનરે 14/05/2025 ના રોજ આ બિલ્ડીંગને સીલ મારવાનો સ્પષ્ટ આદેશ કર્યો હતો. તેમ છતાં TP વિભાગના ભ્રષ્ટ અધિકારીઓએ આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. આ ગેરકાયદેસર બાંધકામને બચાવવા માટે અધિકારીઓ ખોટી વિગતો ઉભી કરીને કાયદાકીય છટકબારીઓ શોધી રહ્યા છે. જો કોઈ ગરીબનું મકાન હોત તો અધિકારીઓ સુપર પાવર સમજીને તોડવા પહોંચી ગયા હોત, પરંતુ મોટા માથાઓ સામે તેઓ મિયાંની મીંદડી બની ગયા છે.
GDCR અને સરકારી ગેઝેટના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. કાયદા મુજબ 30/09/2022 પહેલાના બાંધકામ જ ઈમ્પેક્ટમાં મંજૂર થઈ શકે, છતાં આ બિલ્ડીંગનો પ્લાન ખોટી રીતે ઈમ્પેક્ટમાં (ઈનવર્ડ નંબર 1826/2023) રજૂ કરાયો છે.
20/09/2022 ના રોજ માત્ર બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ સહિત પ્રથમ માળનું કમ્પ્લીશન હતું, તો બાકીના 12 માળ માત્ર 40 દિવસમાં કેવી રીતે બની ગયા તે એક મોટો સવાલ છે. વધુમાં, કોઈપણ પ્લાન રજૂ કર્યાના 6 મહિનામાં નિર્ણય લેવાનો હોય છે, જે નિયમ અહીં લાગુ કરાયો નથી. TRP ગેમ ઝોનની ગોઝારી ઘટનામાંથી પણ તંત્રએ કોઈ બોધપાઠ લીધો નથી. બિલ્ડીંગની બીમ-કોલમની ઊંચાઈ GDCR ના નિયમ મુજબ 2.80 મીટરના બદલે માત્ર 2.50 મીટર છે, જે ધરતીકંપ સમયે જોખમી સાબિત થઈ શકે છે.
આ ઉપરાંત સ્ટેટ હાઈવેની NOC અને યોગ્ય તપાસ વિના જ ફાયર NOC આપીને લોકોના જીવ સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. TP વિભાગની આ મનમાની, બેવડી નીતિ અને ભ્રષ્ટાચાર સામે રાજકોટ શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ સંજય લાખાણી અને મહામંત્રી કૃષ્ણદત્ત રાવલે લાલ આંખ કરી છે. ભ્રષ્ટ અધિકારીઓ અને બિલ્ડીંગ માલિકો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરાવવા માટે તેમણે નામદાર કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જ્યાં સુધી કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી આ ન્યાયની લડત અડીખમ ચાલુ રાખવાનો નિર્ધાર કોંગ્રેસ આગેવાનોએ વ્યક્ત કર્યો છે.