Loading Please Wait !!!
રાજકોટ સીટી બસ સેવામાં લોલમલોલ

PMની અપીલ છતાં રાજકોટમાં બસ સ્ટોપ પર અવ્યવસ્થા

સમયપત્રક ગાયબ, મુસાફરો પરેશાન

રાજકોટ માસ ટ્રાન્સપોર્ટ સર્વિસ RMTS કાલાવડ રોડ

બસ સ્ટોપ પર માહિતી નથી; તંત્રની બેદરકારી કે સિસ્ટમની ખામી ?

સિટી ન્યૂઝ@રાજકોટ

પેટ્રોલ - ડીઝલની અછતના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા સલાહ આપી હતી, જે સલાહ બાદ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ સેવામાં મે માસમાં એક લાખથી વધુ મુસાફરોનો ઉછાળો નોંધાયો હતો. જો કે સીટી બસ પીકઅપ સ્ટેન્ડ પર સીટી બસના સમયપત્રકના અભાવે વિદ્યાર્થીઓ, મહિલાઓ, સિનિયર સિટીઝનને હેરાનગતિ થતી જોવા મળી હતી. કાલાવડ રોડ, ધર્મેન્દ્ર રોડ, કોઠારીયા રોડ સહિતના વિસ્તારોમાં નાગરિકોને હજુ સુધી સીટી બસ તેમના વિસ્તારમાં ક્યારે આવે છે અને કેટલા સમયાંતરે ઉપલબ્ધ થાય છે તેની સ્પષ્ટ માહિતી મળતી નથી. જો બસ સ્ટોપ પર સમયપત્રક, રૂટની વિગતો અને બસ આવવાનો સમય દર્શાવતી વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવે તો મુસાફરો માટે વધુ સરળતા સર્જાઈ શકે છે. શહેરમાં આવતા જતા પ્રવાસીઓ અને રોજિંદા મુસાફરો માટે આ વિસ્તારમાં મહત્વપૂર્ણ હોવાથી વધુ બસો ઉપલબ્ધ કરાવવામાં આવે તો રાજકોટના માસ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ બમણો થઈ શકે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.

અધિકારીનો બચાવ અને રિક્ષાચાલકો પર આક્ષેપ

“આ ગંભીર અવ્યવસ્થા અંગે સિટી ઈજનેર પરેશ અઢિયાએ લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, રિક્ષાચાલકોને આર્થિક ફટકો પડતો હોવાથી તેઓ સિટી બસના પીકઅપ સ્ટોપ પર તોડફોડ કરે છે અને સમયપત્રકના સ્ટીકરો ઉખાડી ફેંકે છે તેવી ફરિયાદો મળતી રહે છે. આ ઉપરાંત કેટલીક એજન્સીઓ દ્વારા ગેરકાયદેસર રીતે બસ સ્ટોપ પર જાહેરખબરોના પોસ્ટરો પણ ચોંટાડવામાં આવે છે, જેનાથી માહિતી ઢંકાઈ જાય છે. તેમણે ખાતરી આપી છે કે ઝોનલ કોન્ટ્રાક્ટર દ્વારા બસ સ્ટોપ પર ફરીથી સમયપત્રકોના સ્ટીકરો લગાવવામાં આવશે.”