Loading Please Wait !!!
રાજકોટના નામચીન દોલતસિંહ સોલંકીની જામીન અરજી નામંજૂર

» સેશન્સ કોર્ટે ટ્રાયલ વિલંબિત કરવાનો આરોપીનો પ્રયાસ ગણાવ્યો નિષ્ફળ

» આરોપી સામે અગાઉ નોંધાયેલા છે કુલ ૧૪ ગંભીર ગુનાઓનો લાંબો ઇતિહાસ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના કોઠારિયા રોડ પર ફાઇનાન્સનો વ્યવસાય કરતા અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા નામચીન દોલતસિંહ ઉર્ફે દોલુભા ભાવસિંહ સોલંકીની નિયમિત જામીન અરજી રાજકોટની સેશન્સ અદાલતે સખત શબ્દોમાં ફગાવી દીધી છે. આરોપીએ પોતાની જામીન અરજીમાં મુખ્ય આધાર એવો લીધો હતો કે કેસની ટ્રાયલ અત્યંત વિલંબિત થઈ રહી છે, જે તેના ન્યાય મેળવવાના મૂળભૂત અધિકારનું હનન છે. જોકે, અદાલતે રેકોર્ડ પરની કાર્યવાહી તપાસ્યા બાદ સ્પષ્ટ કર્યું હતું કે ટ્રાયલને વિલંબિત કરવામાં આરોપી પોતે જ મુખ્ય જવાબદાર છે અને તે પ્રોસીક્યુશન પર ખોટો આળ ચઢાવી રહ્યો છે.

આ કેસની વિગત મુજબ, ફરિયાદી રાધિક હંસરાજભાઈ ગજેરાના ભાઈ ધર્મિશ ગજેરા (ઉંમર ૨૮) ની કોઠારિયા મેઈન રોડ પર આવેલી ખોડિયાર હોટલ પાસે અત્યંત નિર્મમ રીતે છરીના આડેધડ ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં આરોપીએ છાતીના વચ્ચેના ભાગે, ડાબા પડખાના ભાગે અને વાસાના ભાગે છરીના ઘા ઝીંક્યા હતા, જે તેની ગુનાહિત માનસિકતા અને તૈયારી (Pre-preparation) દર્શાવે છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ૩૦/૧૧/૨૦૨૪ ના રોજ નોંધાયેલ આ ગુનામાં આરોપી સામે હત્યા ઉપરાંત હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવાનો પણ આરોપ છે.

જામીન અરજીની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે વકીલોની ટીમ દ્વારા લેખિત વાંધા રજૂ કરી દલીલ કરવામાં આવી હતી કે કેસની ટ્રાયલ પહેલેથી જ શરૂ થઈ ચૂકી છે અને મહત્ત્વના ૩ સાક્ષીઓની જુબાની પણ લેવાઈ ચૂકી છે. પ્રોસીક્યુશન દ્વારા ક્યારેય કોઈ મુદત માંગવામાં આવી નથી, પરંતુ આરોપીએ પોતાના વકીલ રોકવામાં જ લગભગ ૬ મહિનાનો સમય બગાડી દીધો હતો. અદાલતે એ બાબતની ગંભીર નોંધ લીધી હતી કે આરોપીનો ગુનાહિત ઇતિહાસ ૧૪ જેટલા ગંભીર ગુનાઓથી ભરેલો છે. નજરે જોનાર મુખ્ય સાક્ષીઓની જુબાની હજુ બાકી છે, ત્યારે આરોપીને જામીન પર મુક્ત કરવાથી સાક્ષીઓને ડરાવી-ધમકાવીને કેસને નબળો પાડવાની શક્યતા પ્રબળ છે.

સીસીટીવી ફૂટેજમાં આરોપીને સ્પષ્ટપણે છરી સાથે જોવામાં આવ્યો છે, જે કેસમાં મજબૂત પ્રથમ દર્શનીય પુરાવો છે. આરોપીની ગુનાહિત દબદબાભરી છબી અને ભૂતકાળના ૧૪ ગુનાઓને ધ્યાનમાં લેતા, અદાલતે તારણ કાઢ્યું કે ટ્રાયલ વિલંબિત થવાની દલીલ પાયાવિહોણી છે.

ઉપરોક્ત કેસમાં મૂળ ફરિયાદી રાધિક ગજેરા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીયા, જસ્મીન દુધાતરા, ભાવીન ખુંટ, જય પીઠવા, સાહિલ કંટારીયા તથા મદદમાં નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ તથા સ્પેશ્યલ પી.પી. મિતેશ વી. કથિરીયાએ કાયદાકીય મુદ્દાઓ પર ધારદાર દલીલો કરીને જામીન અરજી નામંજૂર કરાવી હતી.