રાજકોટમાં નકલી સહી કરી ભાગીદારે 75 લાખની લોન લઈ આચરી છેતરપિંડી
=> રિટાયરમેન્ટ ડીડ બનાવી લોન લઈ લીધી: ગુનો નોંધાયો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર કરણ પાર્કમાં રહેતા વેપારી સાથે ભાગીદારે સહીઓ કરી બારોબારથી લોન લઈ ૭૫.૨૨ લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ કરતા એ ડીવીઝન પોલીસે દંપતિ, નોટરી સહીત ચાર સામે ગુનો નોંધી તેની શોધખોળ કરી છે. રાજકોટના કરણ પાર્કમાં રહેતા રોશનભાઈ હરીશભાઈ ઘીંગાણીએ ગ્રીનઝોન એન્ટર પ્રાઈઝીસ નામની ફર્મમાં પોતાની અને અન્ય એક ભાગીદાર માલવભાઈ રૂપેશાની નકલી સહીઓ કરી ખોટા દસ્તાવેજોના આધારે રૂ.૭૫.૨૨ લાખની લોન મેળવી છેતરપિંડી આચરવા અંગે જયદીપ તન્ના, તેની પત્ની અને પિતા સહિત નોટરી સામે ફરિયાદ કરી હતી જેમાં રોશનભાઈ ઘીંગાણી અને જયદીપ તન્ના સહિત ત્રણ ભાગીદારોએ વર્ષ ૨૦૨૦માં હાઉસ કીપિંગ અને એફ.એમ. સી.જી. પ્રોડક્ટ્સના બિઝનેસ માટે 'ગ્રીનઝોન એન્ટરપ્રાઈઝીસ' ની શરૂઆત કરી હતી. બિઝનેસ સારો ચાલતો હતો અને સીએનો અભ્યાસ કરેલ હોવાથી જયદીપ તન્ના હિસાબ-કિતાબ સંભાળતો હતો. જો કે, ડિસેમ્બર ૨૦૨૪ પછી જયદીપ તન્નાએ હિસાબ આપવામાં આનાકાની શરૂ કરી હતી,
તપાસ કરતા માલૂમ પડ્યું કે આરોપીએ નોટરી પંકજ જોટાંગીયા સાથે મળીને એક નકલી રિટાયરમેન્ટ ડીડ તૈયાર કર્યું હતું, જેમાં ફરિયાદી અને માલવભાઈની ખોટી સહીઓ કરી તેમને ભાગીદારીમાંથી મુક્ત કરી દીધા હોવાનું દર્શાવ્યું હતું પત્ની સાથે નવી પાર્ટનરશીપ કરી ૪ ફાઇનાન્સ કંપનીઓમાંથી લોન લીધી મૂળ ભાગીદારોને કંપનીમાંથી બહાર કાઢી મૂક્યા બાદ આરોપી જયદીપ તન્નાએ તેની પત્ની ચેતનાબેન તન્ના સાથે મળીને નવી પાર્ટનરશીપ ડીડ બનાવી લીધી હતી. આ નકલી દસ્તાવેજોનો અસલી તરીકે ઉપયોગ કરી આરોપીએ અલગ-અલગ ૪ મોટી ફાઇનાન્સ કંપની માંથી કુલ રૂ.૭૫.૨૨ લાખની લોન લઈ રકમ આરોપીએ ફર્મના ખાતાને બદલે પોતાના પર્સનલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધી હતી. આ સમગ્ર કૌભાંડમાં તેના પિતા પ્રકાશભાઈ તન્નાએ સાક્ષી તરીકે સહી કરી મદદગારી કરી હોવાનું જણાવતા એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.