રાજકોટમાં પતિના મોત બાદ સાસુ, નણંદે મુંડન કરીને ઘરેથી કાઢી !
- 21 મી સદીમાં પણ ક્રૂરતા : વિધવાને અપશુકનિયાળ કહી ત્રાસ
- નણંદ અને સાસુએ આદેશ કર્યો, જો તું મુંડન નહીં કરાવે તો તારા પતિની આત્માને શાંતિ નહીં મળે
સિટી ન્યૂઝ@રાજકોટ
૨૧મી સદીમાં પણ અમુક પરિવારો અમાનવીય માનસિકતા ધરાવે છે તેનો ચોંકાવનારો કિસ્સો રાજકોટ પોલીસ ચોપડે નોંધાયો છે. પતિના મૃત્યુ બાદ વિધવાને અપશુકનિયાળ ગણાવી તેનું બળજબરીપૂર્વક મુંડન કરાવવું, બે માસૂમ સંતાન સાથે ઘરેથી કાઢી મૂકવી અને મિલકતના હકથી વંચિત રાખવાનો ગંભીર આક્ષેપ થતાં મહિલા પોલીસે સાસુ, સસરા અને નણંદ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ માયાણીનગરમાં હાલ પિયર ખાતે રહેતી સોનલબેન ચંદ્રેશભાઈ જાગાણી ઉ.૩૬એ ધોરાજી રહેતા સાસુ જયાબેન ભાદાભાઈ જાગાણી, સસરા ભાદાભાઈ જાગાણીભાઈ જાગાણી તથા જેતપુર નવાગઢમાં રહેતી નણંદ નિમિષા રાજેશભાઈ પાદરિયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના લગ્ન તા.૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ ચંદ્રેશકુમાર ભાદાભાઈ જાગાણી સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન સાસુ અને નણંદ દ્વારા ઘરકામ બાબતે સતત મેણાં-ટોણાં મારવામાં આવતા હતા અને તેમની ચડામણીથી પતિ દ્વારા મારકૂટ પણ કરાવવામાં આવતી હતી. પતિની માંદગી અને ધંધાના બહાને ફરિયાદીના સ્ત્રીધનના દાગીના ગીરો મૂકી આશરે રૂ.૧૫ લાખ મેળવવામાં આવ્યા હતા. ઉપરાંત સોનલબેનના ભાઈ ધવલભાઈ પાસેથી જી-પે મારફતે કુલ રૂ.૩ લાખ પણ મગાવવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
દરમિયાન પતિને આંતરડાનું કેન્સર હોવાનું નિદાન થતાં સારવાર દરમિયાન તા.૧૨ નવેમ્બર, ૨૦૨૫ના રોજ તેમનું અવસાન થયું હતું. પતિના મૃત્યુના માત્ર ત્રણ દિવસ બાદ સાસુ અને નણંદે આત્માની શાંતિના બહાને બળજબરીપૂર્વક ફરિયાદીનું માથું મુંડાવી વાળ કાપી નાખ્યા હતા. તેમના બાળકોની કોઈ જવાબદારી સ્વીકારતું નથી તેમજ મિલકત અને વાહનોમાં પણ હક્ક આપતું નથી પતિના મૃત્યુ બાદ સસરાએ ગોડાઉનમાં રહેલો લસણનો જથ્થો વેચી દીધો હોવા છતાં તેની રકમ આપવામાં આવી નથી. મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, નણંદના દીકરાએ એટીએમ મારફતે રૂ.૧.૫૦ લાખ ઉપાડી લીધા હતા. ફરિયાદી સોનલબેનને સંતાનમાં ૧૧ વર્ષનો દીકરો માન અને ૪ વર્ષની દીકરી કુમકુમ છે. પતિના અવસાન બાદ સાસરી પક્ષે તેમને અપશુકનિયાળ ગણાવી બંને સંતાન સાથે ઘરેથી કાઢી મૂક્યા હતા. જેના કારણે તેમને રાજકોટ ખાતે પિયરનો આશરો લેવો પડ્યો હતો.
- આ ઘટના ખૂબ જ નિંદનીય : જ્યોતિરનાથ બાપુ
જ્યોતિરનાથ બાપુએ મહિલાનું મુંડન કરાવવાની ઘટનાને અત્યંત નિંદનીય ગણાવી છે. સાસરિયા પક્ષ દ્વારા મહિલાનું મુંડન કરાવવાના આક્ષેપ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે આવી પ્રથા એક કુરિવાજ છે અને તેનો સમાજમાં કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. દરેક વ્યક્તિને સન્માન અને સ્વતંત્રતા સાથે જીવવાનો અધિકાર છે. વર્ષો જૂની હાનિકારક પરંપરાઓ અને પ્રથાઓમાંથી સમાજે બહાર આવવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે જે કોઈએ આ કૃત્ય કર્યું હોય કે કસાયું હોય, તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સમગ્ર મામલે પોલીસ તંત્રએ પણ યોગ્ય તપાસ કરીને જરૂરી પગલાં લેવા જોઈએ. સનાતન સંત સમિતિ આ ઘટનાનો સ્પષ્ટ વિરોધ કરે છે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સમાજમાં જાગૃતિ આવશ્યક હોવાનું તેમણે જણાવ્યું.
- આ બનાવ દુ:ખદ અને આઘાતજનક : જયંત પંડ્યા
રાજકોટમાં પતિના અવસાન બાદ પત્નીનું મુંડન કરાવવાનો મામલો અત્યંત દુખદ અને આઘાતજનક છે. આ ઘટના દર્શાવે છે કે ૨૧મી સદીમાં પણ સમાજના કેટલાક વર્ગોમાં ૧૭મી સદી જેવી માનસિકતા હજુ જીવંત છે. કોઈપણ મહિલાને તેની ઈચ્છા વિરૂદ્ધ આવી અમાનવીય પરંપરાનો ભોગ બનાવવી સ્વીકાર્ય નથી. વિજ્ઞાન જાથા આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરે છે. અમે પીડિત મહિલાની મુલાકાત લઈને તેને માનસિક હિંમત અને આશ્વાસન આપવાનો પ્રયાસ કરીશું. સાથે જ આ ઘટનામાં સંડોવાયેલા તમામ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અમારી માંગ છે.